પાટણ: આજના આધુનિક સમયમાં જ્યારે મોટા પાર્ટી પ્લોટો અને વ્યવસાયિક ગરબા મહોત્સવોનું ચલણ વધ્યું છે, ત્યારે પાટણના કટકિયાવાડમાં વર્ષો જૂની શેરી ગરબાની ભવ્ય પરંપરા અને સંસ્કૃતિ આજે પણ જીવંત જોવા મળી રહી છે. કટકિયાવાડ યુવક મંડળ દ્વારા છેલ્લા ૫૨ વર્ષથી સતત અવિરતપણે પ્રાચીન શેરી ગરબાનું આયોજન શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી રહ્યું છે.

આ અંગે સ્થાનિક આગેવાન હિતેશભાઈ દેવેન્દ્રભાઈ પરીખે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કટકિયાવાડ યુવક મંડળ છેલ્લા બાવન વર્ષથી એક પણ વર્ષના વિરામ વગર નિયમિતપણે આ શેરી ગરબાનું સફળ આયોજન કરતું આવ્યું છે. તેમણે ઉમેર્યું કે હાલમાં પાર્ટી પ્લોટોમાં જોવા મળતી ભપકાદાર સંસ્કૃતિથી વિપરીત તેમના વિસ્તારમાં માતાજીની આરાધના સંપૂર્ણ ધાર્મિક મર્યાદા અને પવિત્રતા સાથે થાય છે.
શેરીના તમામ રહીશો, માતાઓ અને બહેનો એકત્ર થઈને ભક્તિભાવ સાથે રાસ-ગરબે ઘુમે છે. નવરાત્રિના નવે-નવ દિવસ દરમિયાન સમૂહ આરતી, ગરબા, રમવા આવતી બાળાઓ અને બહેનો માટે નાસ્તા-પાણી તથા પ્રોત્સાહક ઇનામ વિતરણની સુંદર વ્યવસ્થા મંડળ દ્વારા ગોઠવવામાં આવે છે. રાત્રે મોડે સુધી સમગ્ર લત્તામાં સંપ અને સહકારભર્યા માહોલમાં ગરબા રમાય છે અને નવ દિવસ પૂર્ણ થયે માતાજીની ગરબીનું વિધિવત વળાવણ કરવામાં આવે છે.
સ્થાનિક યુવાનો અને વડીલોના પરસ્પર સહયોગથી ચાલતી આ ૫૨ વર્ષ જૂની શેરી ગરબાની પરંપરા સમગ્ર પાટણ પંથકમાં આસ્થા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.




