પાટણ:
પાટણ જિલ્લામાં ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સૂત્રને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે. માંડોત્રી ગામના એક અરજદારની રસ્તામાં પડી ગયેલી ₹૧,૪૦,૦૦૦/- ની રોકડ રકમ ભરેલી થેલી નેત્રમ ટીમ અને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમને પરત સોંપી છે.
ઘટનાની વિગત:
માંડોત્રી ગામના રહેવાસી પટેલ છગનભાઇ ખોડીદાસ તા.૨૬/૦૨/૨૦૨૬ ના રોજ બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે તેમના પુત્ર સાથે મોટરસાયકલ પર પાટણ ગંજ બજારમાં આવેલી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં ગયા હતા. બેંકમાંથી ₹૧,૪૦,૦૦૦/- ઉપાડી તેઓ લીલીવાડી વિસ્તાર તરફ જઈ રહ્યા હતા ત્યારે લીલીવાડી ચાર રસ્તા પાસે તેમના હાથમાં રહેલી રોકડ ભરેલી કાપડની થેલી અચાનક રસ્તામાં પડી ગઈ હતી. ઘણી શોધખોળ કરવા છતાં થેલી ન મળતા આખરે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
સીસીટીવી કેમેરા બન્યા મદદરૂપ:
સરહદી રેન્જ ભુજના આઈ.જી. ચિરાગ કોરડીયા અને પાટણ એસ.પી. વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ (VISWAS Project) ના સીસીટીવી કેમેરા આ તપાસમાં નિર્ણાયક સાબિત થયા. નેત્રમ ટીમ દ્વારા કંટ્રોલ રૂમમાંથી કેમેરા ફૂટેજ તપાસતા જોવા મળ્યું કે, રસ્તા પર પડેલી થેલી એક અજાણ્યા વ્યક્તિએ ઉઠાવી પોતાની બેગમાં મૂકી દીધી હતી. ત્યારબાદ તે વ્યક્તિ ઇકો ગાડીમાં બેસી હારીજ તરફ રવાના થયો હતો.
સફળ કામગીરી કરનાર ટીમ:
એલ.સી.બી. પી.આઈ. આર.જી. ઉનાગરના નેતૃત્વમાં ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના સમયમાં રોકડ રકમ સાથેની બેગ રિકવર કરી અરજદારને સુપરત કરી હતી. આ કામગીરીમાં
- શ્રી આર.જી. ઉનાગર (પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી.)
- શ્રી આર.કે. પટેલ (પોલીસ ઇન્સ્પેક્ટર, રાધનપુર)
- શ્રી એચ.એસ. પટેલ (પી.એસ.આઈ., નેત્રમ ઇન્ચાર્જ)
- શ્રી જે.એલ. રાજપુત (પો.વા.સ.ઈ.)
- પોલીસ કોન્સ્ટેબલ રવિ ગંગારામભાઇ, મહેશકુમાર ભુદરભાઇ, હેતલબેન રામાભાઇ અને ડ્રાઇવર મુસ્તાકભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા:
પોતાની મહેનતની કમાણી સુરક્ષિત પરત મળતા અરજદાર પટેલ છગનભાઇએ પાટણ પોલીસ અને નેત્રમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.




