થરા નગરમાં વગર વરસાદે રોડ પર ગટરનું પાણી! નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકાની ખેંચતાણ વચ્ચે જનતા ત્રાહિમામ

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૨૭ પર વગર વરસાદે જ ગટરના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે. થરા પોલીસ સ્ટેશનથી ભાભર ત્રણ રસ્તા સુધી બનેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ, ફૂટપાથ અને ગટરોની વર્ષોથી સફાઈમરામત ન થતાં નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એકથી એકવીસ ફૂટ ઊંચો ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો, પરંતુ તેની સાથેના સર્વિસ રોડ અને ગટરોની જાળવણી કોની જવાબદારી તે મુદ્દે નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. પરિણામે ગટરો કચરાથી ઊભરાઈ ગઈ છે, ઢાંકણા તૂટી ગયા છે અને રખડતા પશુઓ તથા દબાણોને કારણે સ્થિતિ વધુ વણસી છે.
વરસાદની એક પણ છાંટ ન પડી હોવા છતાં ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તણા રોડ, બહુચરાજી મંદિરથી માર્કેટ યાર્ડ સામેના ગરનાળા અને શાળા-કોલેજ રોડ પર સવારે ૧૦.૩૦ થી ૧૧,૩૦ દરમિયાન ભારે ટ્રાફિક જામના દ્રશ્યો રોજ સર્જાય છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જ રસ્તા પરથી નેતાઓ, મામલત દાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર અને પોલીસ અધિકારીઓ અવારનવાર પસાર થાય છે, છતાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે એક પણ નક્કર પગલું ભરાયું નથી.
*મુખ્ય માંગણીઓ:થરા નગર પાલિકા વિસ્તારની તમામ સર્વિસ રોડની ગટરોની તાત્કાલિક સફાઈ અને તૂટેલા ઢાંકણાની મરામત કરવામાં આવે.
*પ્રિ-મોન્સૂન કામગીરી માટે ફાળવેલ બજેટનો હિસાબ જાહેર કરવામાં આવે અને ક્યાં કામ થયું તેનો ખુલાસો ચીફ ઓફિસર કરે.
*નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકા વચ્ચે જવાબદારી નક્કી કરી કાયમી ઉકેલ લાવવામાં આવે.સુરત જેવી સ્થિતિ સર્જાયા બાદ નેતાઓ મગરના આંસુ સારવા ન આવે તે પહેલા જ તંત્ર જાગે તેવી નગરજનોની માંગ છે. અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here