રાધનપુર-સાંતલપુર પંથકના વેપારીઓ માટે પ્રાંત કચેરી દ્વારા જાહેરનામું: નિયત નમૂનામાં ફી અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે
રાધનપુર: આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખી રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ફટાકડાના વેચાણ તથા સંગ્રહ માટે હંગામી લાયસન્સ મેળવવા ઇચ્છુક વેપારીઓએ આગામી તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં સંબંધિત કચેરી ખાતે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ રાધનપુર પ્રાંત કચેરી દ્વારા જણાવાયું છે.
ધી એક્સપ્લોઝિવ રૂલ્સ-૨૦૦૮ની જોગવાઈ મુજબ, હંગામી પરવાના માટે અરજદારે નિયત ફોર્મ A.E.5 માં રૂ. ૩ નો કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી અરજી કરવાની રહેશે. આ સાથે સ્ક્રુટિની ફી પેટે રૂ. ૩૦૦ તથા લાયસન્સ ફી પેટે રૂ. ૬૦૦ મળી કુલ રૂ. ૯૦૦ ની રકમ સરકારી તિજોરી કે બેંકમાં “૦૦૭૦ અધર એડીએમ” સદરે ચલણથી જમા કરાવી તેની અસલ પહોંચ જોડવી ફરજિયાત છે.
અરજી સાથે આ દસ્તાવેજો જોડવા જરૂરી:
સુરક્ષા નકશો: સૂચિત દુકાન કે સ્ટોલની આસપાસ ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલી અન્ય દુકાનો, શાળા, હોસ્પિટલ, પેટ્રોલ પંપ કે જ્વલનશીલ ગોડાઉનની વિગતો દર્શાવતો નગરપાલિકા અથવા તલાટી કમ મંત્રી દ્વારા પ્રમાણિત નકશો.
જગ્યાના પુરાવા: માલિકી હકના દસ્તાવેજ અથવા નોટરાઇઝ્ડ/એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ થયેલો ભાડા કરાર અને માલિકનું રૂ. ૫૦ના સ્ટેમ્પ પેપર પર સંમતિપત્ર.
પ્રમનપત્રો: સ્થાનિક પંચાયત કે નગરપાલિકાનું એન.ઓ.સી. (NOC), ફાયર ઓફિસરનું ફાયર સેફ્ટી પ્રમાણપત્ર અને પોલીસ અધિકારીનું ગુનાહિત ઇતિહાસ ન હોવા અંગેનું ક્લિયરન્સ સર્ટીફિકેટ
અન્ય વિગતો: સ્થળના ૬ x ૪ સાઇઝના ત્રણ ફોટોગ્રાફ્સ, અરજદારના રહેઠાણ અને જન્મતારીખના પુરાવા
સ્થાનિક તંત્ર દ્વારા જો ફટાકડા બજાર માટે ચોક્કસ જગ્યા ફાળવવામાં આવી હોય તો તે પ્લોટની વિગતો અરજીમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે
હંગામી પરવાના મેળવવા માટેના નિયત અરજી ફોર્મ રાધનપુર અને સાંતલપુર મામલતદાર કચેરીની એટીવીટી શાખામાંથી મેળવી શકાશે. મુદત વીત્યા બાદ કે અધૂરી વિગતોવાળી અરજીઓ રદબાતલ ગણાશે અને ભરેલી ફી પરત મળશે નહીં. પરવાનો મળ્યા બાદ તમામ સુરક્ષા નિયમોનું પાલન કરવાનું રહેશે.




