પાટણમાં રચાયો ઇતિહાસ: 12,000 વિદ્યાર્થીઓએ NGES Campus માં એકસાથે લીધો ‘ડિજિટલ ફાસ્ટ’નો સંકલ્પ

એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ઐતિહાસિક સિદ્ધિ…

યંગ જનરેશન ઓફ ભારત (YGB), DEO office, NGES Campus દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું.

ડિજિટલ દુનિયાથી એક દિવસનું અંતર, જીવન અને સંસ્કારો સાથે નિકટતા — પાટણથી સમગ્ર ભારતને મળ્યો ડિજિટલ શિસ્ત, માનસિક સ્વાસ્થ્ય અને ભારતીય જીવનમૂલ્યોનો અનોખો સંદેશ

પાટણ,

ગુજરાતની ઐતિહાસિક અને શૈક્ષણિક નગરી પાટણે આજે યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય, ડિજિટલ શિસ્ત અને ભારતીય જીવનમૂલ્યોના સંવર્ધનની દિશામાં એક નવો ઇતિહાસ રચ્યો છે. યંગ જનરેશન ઓફ ભારત (YGB) દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાટણ અને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES)ના સહયોગથી NGES કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘ડિજિટલ ફાસ્ટ – Disconnect to Reconnect’ અભિયાનમાં પાટણ જિલ્લાના વિવિધ શાળા અને મહાવિદ્યાલયોના આશરે 12,000 વિદ્યાર્થીઓએ એક જ સ્થળે, એક જ સમયે ડિજિટલ ફાસ્ટનો સામૂહિક સંકલ્પ લઈને ઐતિહાસિક વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. આ વિશિષ્ટ પહેલને એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને વિશ્વવિક્રમનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

આ અભિયાનનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીમાં વધી રહેલી સોશિયલ મીડિયાની નિર્ભરતા, બિનજરૂરી સ્ક્રીન ટાઇમ, રીલ્સ, ઓનલાઇન ગેમિંગ અને ડિજિટલ વ્યસન સામે જાગૃતિ લાવી વિદ્યાર્થીઓને માનસિક રીતે સશક્ત, શારીરિક રીતે સક્રિય, સામાજિક રીતે સંવેદનશીલ અને સાંસ્કૃતિક રીતે જાગૃત બનાવવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો વિદ્યાર્થીઓએ દર અઠવાડિયે એક દિવસ બિનજરૂરી સોશિયલ મીડિયા અને ડિજિટલ મનોરંજનથી દૂર રહી પુસ્તક વાંચન, યોગ, ધ્યાન, રમતગમત, કલા, સંગીત, પ્રકૃતિ, પરિવાર સાથે સંવાદ અને ભારતીય સંસ્કારો માટે સમય ફાળવવાનો સંકલ્પ લીધો હતો.

5,000થી વધુ વિદ્યાર્થીઓના હસ્તલિખિત સંકલ્પોને ધરતીમાં સમર્પિત કરી વાવવામાં આવ્યો વડલો — ‘સંકલ્પવૃક્ષ’ બનશે આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું પ્રતીક

આ ઐતિહાસિક કાર્યક્રમની સૌથી અનોખી અને ભાવનાત્મક પહેલ એ રહી કે 5,000થી વધુ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ડિજિટલ ફાસ્ટ અંગેના વ્યક્તિગત સંકલ્પો કાગળની ચિઠ્ઠીઓમાં સ્વહસ્તે લખીને લાવ્યા હતા. આ ચિઠ્ઠીઓમાં વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાનો બિનજરૂરી ઉપયોગ ટાળવા, મોબાઇલ અને રીલ્સથી દૂર રહેવા, પરિવાર સાથે સમય વિતાવવા, રમતગમત, યોગ, વાંચન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને ભારતીય સંસ્કારોને જીવનમાં સ્થાન આપવા જેવા વિવિધ સંકલ્પો વ્યક્ત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here