પાટણ:
પાટણ શહેરના પીતાંબર તળાવ વિસ્તારમાં છેલ્લા ૪૨ વર્ષથી વધુ સમયથી વસવાટ કરી રહેલા આશરે ૧૫૦ પરિવારો પર અચાનક બેઘર થવાનું મોટું સંકટ આવી પડ્યું છે. પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ આ રહેવાસીઓને નોટિસ આપીને ૧૫ દિવસમાં જગ્યા ખાલી કરવાનો આદેશ અપાતા સમગ્ર વિસ્તારના ગરીબ અને શ્રમિક પરિવારોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે ન્યાય મેળવવા માટે સ્થાનિક રહીશોએ આજે પાટણ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવા ઉગ્ર રજૂઆત કરી છે.

૪૨ વર્ષથી વસવાટ, છતાં અચાનક ખાલી કરવાની નોટિસ

કલેક્ટર કચેરીમાં સબમિટ કરાયેલા પત્ર અનુસાર, પીતાંબર તળાવ વિસ્તારના સર્વે નંબર ૧૦૩૪ અને સી.એસ. નંબર ૨૧૫ વાળી જમીન પર આ પરિવારો વર્ષ ૧૯૮૨થી, એટલે કે છેલ્લા ૪૨ વર્ષથી પોતાના કુટુંબ સાથે શાંતિપૂર્વક વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં આશરે ૨૫૦ જેટલા મકાનો આવેલા છે અને અંદાજે ૧૦૦૦ જેટલા લોકો અહીં જીવનનિર્વાહ કરે છે. સ્થાનિકોનો દાવો છે કે તેઓ પાટણ નગરપાલિકાને રેગ્યુલર વેરો, પાણી વેરો, સફાઈ વેરો અને લાઈટ બિલ જેવા સરકારી કરવેરા નિયમિતપણે ચૂકવી રહ્યા છે. તેમ છતાં, પાટણ નગરપાલિકા દ્વારા ગત તારીખ ૦૯/૦૫/૨૦૨૬ના રોજ અચાનક “તમામ બાંધકામ હટાવી ૧૫ દિવસમાં જગ્યા ખાલી કરવા” અંગેની નોટિસ ફટકારવામાં આવી છે.
રહીશોની મુખ્ય માંગણીઓ:
સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે:
- વૈકલ્પિક આવાસની વ્યવસ્થા: જ્યાં સુધી પ્રશાસન દ્વારા ‘ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ટ’ અથવા વૈકલ્પિક જગ્યાએ રહેવાની કાયમી વ્યવસ્થા ન કરે, ત્યાં સુધી આ ગરીબ પરિવારોને ત્યાંથી વિસ્થાપિત (બેઘર) કરવામાં ન આવે.
- નિયમિત કરવાની માંગ: મુખ્યમંત્રી આવાસ યોજના અથવા ‘ગુજરાત લેન્ડ રેગ્યુલરાઈઝેશન પોલિસી ૨૦૨૨’ હેઠળ, ૪૨ વર્ષ જૂના આ વસવાટને નિયમિત (Regularize) કરી આપવામાં આવે.
- ડીમોલીશન પર સ્ટેની માંગ: જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી પાટણ નગરપાલિકા દ્વારા થનારી તોડફોડની સંભવિત કાર્યવાહી પર તાત્કાલિક અસરથી ‘સ્ટે’ (રોક) લગાવવામાં આવે.
આવેદનપત્ર અને બિડાણ
આ રજૂઆત સાથે રહીશોએ પુરાવા તરીકે પોતાના રહેઠાણના આધાર-પુરાવા, લાઈટ બિલની નકલો, હાઉસ ટેક્સની પાવતીઓ અને નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસની નકલો પણ કલેક્ટર સમક્ષ રજૂ કરી છે. પીતાંબર તળાવ વિસ્તારના અગ્રણીઓએ સહિતના સ્થાનિકોએ ન્યાયની આશા સાથે કલેક્ટર કચેરીમાં આ આવેદન સુપરત કર્યું છે. આ પત્રની નકલો પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને પણ જાણ સારું મોકલવામાં આવી છે.
હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર આ ૧૫૦ ગરીબ અને શ્રમિક પરિવારોને આકરા ઉનાળામાં બેઘર થતા બચાવવા માટે કેવા પ્રકારના માનવતાવાદી પગલાં ભરે છે.




