પાટણ નગરપાલિકાના પ્રમુખ પદે ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી

પાટણ નગરપાલિકાના પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

અપક્ષ ઉમેદવાર ચેતનાબેન પ્રજાપતિએ બીજેપી તરફેણમાં મતદાન કર્યું

રાજકીય સમીકરણો બદલાયા: પાટણના વોર્ડ નં. ૧ અને ૨ ના ફાળે ગયા પાલિકાના સર્વોચ્ચ પદો

ડૉ. મનોજ ઠાકોર પક્ષના નેતા અને મનીષાબેન પ્રજાપતિ દંડક જાહેર

પાટણ:
પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણીને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવ્યો છે. ન.પા. માં કુલ 44 સભ્યોની હાજરીમાં ચૂંટણી કરવામાં આવી હતી.
ભાજપના 24 સભ્યો જ્યારે વિરોધ પક્ષના 17, 3 અપક્ષ હાજર રહ્યા. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એક મોટો અને આવકારદાયક ફેરફાર જોવા મળ્યો હતો.

નવા સુકાનીઓ: કોને કઈ જવાબદારી મળી?
ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ પાટણ નગરપાલિકાનું સુકાન નીચે મુજબના સભ્યોને સોંપવામાં આવ્યું છે:
પ્રમુખ: ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળ
ઉપપ્રમુખ: ઉત્કર્ષ બી. પટેલ
કારોબારી ચેરમેન: નીલમ પટેલ
પક્ષના નેતા: ડૉ. મનોજ ઠાકોર
દંડક (વ્હીપ): મનીષાબેન પ્રજાપતિ

સામાન્ય વર્ગની મહિલાને પ્રથમવાર મળ્યું પ્રમુખ પદ
આ વખતની વરણીમાં સૌથી ઐતિહાસિક બાબત એ રહી છે કે પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર પ્રમુખ પદે સામાન્ય વર્ગના એક મહિલાને સ્થાન મળ્યું છે. સાવ નાનકડા પછાત વર્ગમાંથી આવતા ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળની પ્રમુખ તરીકે વરણી કરીને ભાજપે છેવાડાના કાર્યકરને સન્માન આપવાનો મોટો રાજકીય સંદેશ આપ્યો છે.
વોર્ડ નંબર ૧ અને ૨ નો દબદબો
આ નવી વરણીમાં પાટણના વોર્ડ નંબર ૧ અને ૨ નું ભારે પ્રભુત્વ જોવા મળ્યું છે. નગરપાલિકાના સર્વોચ્ચ એવા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ આ વોર્ડના ફાળે જતાં રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.
આજની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. સવારે ૧૧:૨૫ વાગ્યા સુધી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ સ્વીકારવાનો સમય નક્કી કરાયો હતો. જો કે, મતદાન અને વરણીની પ્રક્રિયા દરમિયાન અધ્યાસી અધિકારી તરીકે હાજર પ્રાંત અધિકારીએ કડક વલણ અપનાવીને મીડિયાકર્મીઓને પણ હોલની બહાર જવા ફરમાન કરી દીધું હતું, જેને પગલે થોડો સમય માટે સ્થાનિક પત્રકારોમાં નારાજગી જોવા મળી હતી.
નવા વરાયેલા તમામ હોદ્દેદારોને ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી, ભવ્ય વધામણાં કરવામાં આવ્યા હતા. તમામ નવા સભ્યોએ પાટણ શહેરના વિકાસ કાર્યોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here