પાટણના ૭૦ દિવ્યાંગ બાળકો માટે પ્રેરણાદાયી શૈક્ષણિક પ્રવાસનું આયોજન

ગાંધીનગર વિધાનસભા અને અક્ષરધામની મુલાકાત લઈ બાળકો હરખાયા: શિક્ષણ મંત્રી સાથે પણ કરી શુભેચ્છા મુલાકાત

પાટણ:
સમગ્ર શિક્ષાના આઈ.ઈ.ડી. યુનિટ (પાટણ), બી.આર.સી. પાટણ અને ઉદાર મન ના દાતાઓના સંયુક્ત ઉપક્રમે પાટણ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસ અને તેમને રાજ્યના ઐતિહાસિક તેમજ રાજકીય વારસાથી અવગત કરાવવાનો હતો.
વિધાનસભાની મુલાકાત અને મંત્રીશ્રી સાથે સંવાદ
આ એક દિવસીય પ્રવાસમાં ધોરણ ૧ થી ૮ ના આશરે ૭૦ જેટલા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રવાસ દરમિયાન પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા બાળકોને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં બાળકોએ રાજ્યની રાજકીય ગતિવિધિઓ વિશે જીવંત માહિતી મેળવી હતી. આ પ્રસંગે બાળકો અને વાલીઓએ રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.
પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળોનો આનંદ
વિદ્યાર્થી સમીક્ષા કેન્દ્ર ખાતે ભોજન લીધા બાદ, બાળકોને ગાંધીનગરના પ્રસિદ્ધ ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) અને અક્ષરધામ મંદિરના દર્શને લઈ જવામાં આવ્યા હતા. વન્યજીવો અને ભવ્ય સ્થાપત્ય જોઈ બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે, પાઠ્યપુસ્તકના સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લેવાથી દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને માનસિક વિકાસ ઝડપી બને છે.
દાતાઓનો અમૂલ્ય સહયોગ
આ પ્રવાસને સફળ બનાવવા માટે અનેક સેવાભાવી દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો, જેમાં વેદાંતભાઈ પટેલ, અંકિતભાઈ પરીખ, વિજયભાઈ વ્યાસ, હેમાંગીબેન પટેલ, કામિનીબેન પટેલ, કોમલબેન પરમાર, રાજુભાઈ મોદી, વિષ્ણુભાઈ દેસાઈ, જીગરભાઈ પટેલ અને પ્રહલાદભાઈ ઝાલા
આ કાર્યક્રમમાં જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડિનેટર મધુબેન જાદવ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર મીનાબેન પટેલ તેમજ પાટણ તાલુકાના સ્પેશિયલ શિક્ષકોએ હાજર રહીને સમગ્ર પ્રવાસનું સંચાલન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here