પાટણની એન.જી.પટેલ પ્રાથમિક શાળામાં મુખ્ય દાતાશ્રીની ૪૧મી પુણ્યતિથિ નિમિત્તે ૧૦૧૫ વિદ્યાર્થીઓને વિશેષભોજન પીરસાયું

પાટણ:
ઐતિહાસિક નગરી પાટણમાં આવેલી પૌરાણિક શૈક્ષણિક સંસ્થા ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઇસ્કૂલ-પ્રાથમિક વિભાગ (શેઠશ્રી એન.જી. પટેલ પ્રાથમિક શાળા) ખાતે શાળાના મુખ્ય દાતાશ્રી સ્વ. શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલની ૪૧મી પુણ્યતિથિ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. આ અવસરે દાતાશ્રી પરિવાર તરફથી શાળાના ૧૦૧૫ વિદ્યાર્થીઓને વિશેષ મહાભોજન પીરસવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અનુસાર પ્રાર્થનાથી કરવામાં આવી હતી, જેમાં શાળાની દીકરીઓ દ્વારા અભિનય સાથે સ્વાગત પ્રાર્થના રજૂ કરાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી, મુખ્ય દાતાશ્રી સ્વ. શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલની પ્રતિમાને કુમકુમ તિલક કરી માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી વસંતભાઈ પટેલે તમામ મહેમાનોનું હૃદયપૂર્વક શાબ્દિક સ્વાગત કર્યું હતું, તેમજ સ્વાગત-પ્રાર્થના રજૂ કરનાર દીકરીઓને દાતાશ્રી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના મુખ્ય દાતાશ્રી અને ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રીશ્રી મનસુખભાઈ એન. પટેલે જણાવ્યું હતું કે, “શિક્ષણ એ જીવનનો સાચો ખજાનો છે, જે સમાજને અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે લઈ જાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળાનું શિક્ષણકાર્ય ઉચ્ચસ્તરીય છે અને અહીંથી શિક્ષણ મેળવી અનેક વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ પદો પર બિરાજિત થઈ ઉજ્જવળ કારકિર્દી ઘડી ચૂક્યા છે. સમય જતાં શાળાનું જૂનું મકાન જર્જરિત બનતા, આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા મંત્રીશ્રી મનસુખભાઈ એન. પટેલે શાળાનું ઋણ અદા કરવા માટે પોતાના પિતાશ્રીના નામથી ભવ્ય નવીન શાળાનું ભવન નિર્માણ કરાવ્યું છે.
શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે હંમેશાં અગ્રેસર રહેતી આ શાળાના બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યક્રમમાં વિશેષ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ ભવ્ય પ્રસંગે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખશ્રી ડૉ. જે.કે. પટેલ, ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ કે. પટેલ, સહમંત્રીશ્રી અશોકકુમાર જી. પટેલ, નગરસેવકશ્રી મનોજભાઈ કે. પટેલ, વહીવટીશ્રી દિનેશભાઈ એસ. પટેલ, એમ.એન. હાઈસ્કૂલના આચાર્યશ્રી ડૉ. ધનરાજભાઈ ઠક્કર, અશોકભાઈ પટેલ, ઉજ્જવલભાઈ પટેલ, જનકભાઈ જોષી, જશોદાબેન પટેલ સહિત કારોબારી સભ્યો, શાળાના આચાર્યશ્રી વસંતભાઈ પટેલ તેમજ શાળા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here