પાટણની એમ.એન સ્કુલના વિદ્યાર્થીએ રાજ્ય ગણિત મહોત્સવમાં સિલ્વર મેડલ મેળવ્યો..

હાઈસ્કૂલના રુશિલ રાવળે 19 માં મહોત્સવમાં ગૌરવ વધાર્યું..

પાટણ તા. ૧૫
પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ 19 માં ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ મહોત્સવમાં રાવળ રુશિલ પ્રકાશકુમારે મોડેલ પ્રદર્શનમાં સિલ્વર મેડલ મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ગુજરાત અને એ.બી.હાઈસ્કૂલ,નવસરીના સંયુક્ત ઉપક્રમે 19 મો ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવ નવસારી ખાતે યોજાયો હતો.
આ રાજ્ય સ્તરીય મહોત્સવમાં ગુજરાતના 22 જિલ્લાઓની 58 શાળાઓ માંથી 408 વિદ્યાર્થીઓ,70 શિક્ષકો અને 21 સંશોધકોએ ભાગ લીધો હતો.
મહોત્સવ દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક અને સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડેલ પ્રદર્શન, પઝલ પ્રદર્શન, રોલ પ્લે,ભૌમિતિક આકારની રંગોળી, ક્વિઝ, રીલે ક્વિઝ અને શિક્ષકો માટેની ખાસ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો જેમાં. રાવળ રુશિલ પ્રકાશકુમારે મોડેલ પ્રદર્શનમાં સિલ્વર મેડલ જીતી શાળા પરિવાર નું ગૌરવ વધાર્યું હતું. તો બારોટ ધાર્મિક દિપકકુમારે ભાસ્કરાચાર્યનો રોલ પ્લે રજૂ કર્યો હતો પટેલ વેદ નીતિનકુમારે ભૌમિતિક આકારની રંગોળી માં પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી.
આ તમામ વિદ્યાર્થીઓને શિક્ષક ડો. અલ્પેશકુમાર એસ.પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહોત્સવમાં ઈસરોના વૈજ્ઞાનિકો દિલીપભાઈ ભટ્ટ, જયંત જોશી, ખગોળશાસ્ત્રી જે.જે. રાવલ, તેમજ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ચંદ્રમૌલી જોશી, કલ્પેશભાઈ અખાણી અને દર્શનભાઈ મહેતા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શેઠ એમ.એન. હાઈસ્કૂલના આ ગૌરવપૂર્ણ પ્રદર્શન બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડો. જે.કે.પટેલ,મંત્રી મનસુખભાઈ પટેલ અને શાળાના આચાર્ય ડો. ધનરાજભાઈ ઠક્કરે માર્ગદર્શક શિક્ષક ડો.અલ્પેશકુમાર પટેલ અને વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ :-યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here