પાટણની ઐતિહાસિક ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળામાં બાળકોને મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરાયું: દિવાળી પર્વની અનોખી ઉજવણી

ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ (એલ્યુમિનાઈ એસોસિએશન) દ્વારા શાળાના પટાંગણમાં વિતરણ કાર્યક્રમ યોજાયો

પાટણ: પાટણ શહેરની શતાબ્દી વટાવી ચૂકેલી ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા ‘ડૉ. પંડ્યા અભ્યાસગૃહ’ ખાતે આગામી દીપોત્સવી પર્વ નિમિત્તે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ (એલ્યુમિનાઈ એસોસિએશન) દ્વારા તમામ બાળકોને મીઠાઈના બોક્સ તથા ફટાકડાનું વિતરણ કરવાનો સેવાકીય કાર્યક્રમ શાળાના પટાંગણમાં ઉત્સાહભેર યોજાયો હતો.

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થા તથા અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ અર્થે સતત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત દિવાળીના તહેવારોમાં બાળકોનો ઉત્સાહ બેવડાય તે હેતુથી તમામ વિદ્યાર્થીઓ તથા સમગ્ર શાળા પરિવાર (સ્ટાફ) માટે મીઠાઈના બોક્સનું વિતરણ કરાયું હતું. આ મીઠાઈ બોક્સના દાતા અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મયંકભાઈ જાની આ પ્રસંગે ખાસ અમદાવાદથી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બાળકોને દિવાળીની ઉજવણી માટે ફટાકડાનું વિતરણ ભૂતપૂર્વ વિદ્યાર્થી યોગેશભાઈ ઠક્કર (ફટાકડાવાળા) તરફથી સૌજન્યપૂર્વક કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં એસોસિએશનના ઉપપ્રમુખ હર્ષદભાઈ ખમારે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા, જ્યારે મંત્રી ડૉ. અતુલ અગ્રવાલે પ્રાસંગિક ઉદ્બોધન કરી સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.

આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશનના અગ્રણી સભ્યો સર્વશ્રી મોતીભાઈ પટેલ (અમેરિકા), ખજાનચી અજયભાઈ ખમાર, હેમંતભાઈ કાટવાલા, સુનિલભાઈ પાગેદાર, ડૉ. પિયુષભાઈ વ્યાસ, દિપકભાઈ ખત્રી તથા ચંદ્રેશભાઈ ચોક્સી ખાસ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન અને સુંદર આયોજન શાળાના શિક્ષિકા પ્રિયંકાબેન રાવળ તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હેમંતભાઈ કાટવાલાએ ઉપસ્થિત તમામ દાતાઓ, મહેમાનો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. મીઠાઈ અને ફટાકડા મળતાં બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here