રથયાત્રાને અનુલક્ષીને આયોજિત કાર્યક્રમની પત્રકારોને માહિતી પ્રદાન કરાઈ…

પાટણ તા.29
આગામી 29 મી એપ્રિલના પાટણ જગન્નાથ મંદિર પરિસર ખાતેથી નીકળનારી ભગવાન શ્રી પરશુરામજી ની 54 મી રથયાત્રાને લઈને શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ,શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ પાટણ જિલ્લા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભગવાન શ્રી પરશુરામજીની નિકળનારી 54 મી રથયાત્રાને લઈને ગુરુવારે જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી પરશુરામ જન્મ જયંતી શોભાયાત્રા સમિતિ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રેસ બેઠક યોજવામાં આવી હતી. આ પ્રેસ બેઠકમાં ભગવાન શ્રી પરશુરામજી ની 54 મી શોભાયાત્રા સહિત ત્રિ દિવસીય આયોજિત કરાયેલા વિવિધ કાર્યક્રમોની માહિતી પ્રદાન કરતા શ્રી પરશુરામ શોભાયાત્રા સમિતિના કન્વીનર અને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય એ જણાવ્યું હતું કે આગામી તા.29 એપ્રિલ ના રોજ ભગવાન પરશુરામજી ની જન્મ જયંતીના ઉપ્લક્ષમાં તારીખ 27 એપ્રિલ ભગવાન શ્રી પરશુરામજી ના જીવન ચરિત્રો પર પાટણ શહેરની વિવિધ શાળાઓના બાળકોની લેખન સ્પર્ધા તેમજ તારીખ 28મી એપ્રિલ રોજ આનંદ ગરબા મંડળ ની બહેનો દ્વારા આનંદનો ગરબો તેમજ રાત્રે હેરિટેજ કરા ઓકે ગૃપ દ્રારા સતત ત્રણ કલાક સુધી હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરવામાં આવશે.
તારીખ 29 મી એપ્રિલે સવારે 8:30 કલાકે ભક્તિ સંગીત ના સુરો વચ્ચે ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા પ્રસ્થાન પામશે. ભગવાન પરશુરામજી ની નીકળનારી આ શોભાયાત્રા સનાતન ધર્મની શોભાયાત્રા બની રહે એવા ઉપદેશ સાથે પાટણ શહેરના અઢારે વર્ણના સમાજો સાથે તેમજ શહેરની 25 થી વધુ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજી તમામને ભગવાન પરશુરામજી ની શોભાયાત્રામાં જોડાવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામજી ની ફોટો પ્રતિમાને ચાંદી મઢીત રથમાં બિરાજમાન કરવામાં આવશે. શોભાયાત્રા ની સાથે 25 થી વધુ ઝાંખીઓ અને પાટણ શહેરની સૌથી ઐતિહાસિક અને પુરાણી પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની ફોટો પ્રતિમા સાથેનો પ્રજાપતિ સમાજનો ટેબ્લો પણ જોડાનાર છે.
તો શોભાયાત્રા ના માર્ગ પર પાટણ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના 11 જેટલા સેવા કેમ્પો પણ કાર્યરત બનનાર છે. આ શોભાયાત્રા સવારે 8:30 કલાકે શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે પ્રસ્થાન પામી હિંગળાચાચર,ચતુર્ભુજ બાગ, જુનાગંજ બજાર, પુન: હિંગળાચાચર,મેઈન બજાર, ધીવટા નાકાથી થઈ પુનઃ જગન્નાથ મંદિર પરિસર ખાતે સંપન્ન બનશે.
શોભાયાત્રામાં જોડાનાર તમામ પરશુરામ ભક્તો માટે મંદિર પરિસર ખાતે ભોજન પ્રસાદની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી તા. 29 મી એપ્રિલના રોજ નિકળનારી ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રામાં પાટણ શહેરના તમામ નગરજનોને જોડાવા માટે શ્રી પરશુરામ શોભાયાત્રા સમિતિ, જગદીશ મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા અપીલ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.



