શિક્ષણનો ભાર હળવો કરવાનો પ્રશંસનીય પ્રયાસ.

બજાર કરતાં અડધી કિંમતે વિદ્યાર્થીઓને ચોપડા અપાયા.

આવતી પેઢી ભણશે તો જ દેશ અને સમાજ આગળ વધશે
સંસ્થાના આગેવાનનો પ્રેરણાદાયી સંદેશ.
પાટણની આશિષ વિધાલય ખાતે હજારો વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક્સ (ચોપડા) નું વિતરણ કરાયુ.
આજના મોંઘવારીના જમાનામાં જ્યારે સામાન્ય પરિવાર માટે બાળકોને ભણાવવા એ મોટો આર્થિક પડકાર બની ગયો છે, ત્યારે પાટણ શહેરમાંથી કોમી એકતા, માનવતા અને સામાજિક જવાબદારીનું એક અદભુત ઉદાહરણ સામે આવ્યું છે.
પાટણની જાણીતી સામાજિક સંસ્થા ‘માનવતા ફાઉન્ડેશન ટ્રસ્ટ’ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક અનોખી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત પાટણ શહેરની આશિષ વિધાલય ખાતે પાટણ શહેરના હજારો વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક્સ (ચોપડા) નું વિતરણ કરવામાં આવ્યું છે.
ધર્મ કે જ્ઞાતિનો કોઈ ભેદભાવ નહીં, લક્ષ્ય માત્ર “માનવતા ફાઉન્ડેશનના ઇમરાન મૌલાનાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,”માનવતા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઈપણ જાતના ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર, તમામ ધર્મના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ૧૫,૦૦૦ જેટલી નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે. અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે શિક્ષણના વધી રહેલા ખર્ચના કારણે કોઈ વાલી પર આર્થિક દબાણ ના આવે અને કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહે.”
અને બજાર ભાવ કરતાં અડધી કિંમતે વિતરણ
હાલમાં બજારમાં જે નોટબુકની કિંમત આશરે ૪૦ રૂપિયા જેટલી છે, તે જ ગુણવત્તાવાળી નોટબુક સંસ્થા દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને માત્ર ૫૦ ટકા રાહત દરે એટલે કે રૂ. ૨૦ માં પૂરી પાડવામાં આવી છે.
આ ભગીરથ કાર્યમાં સાથ આપનાર દાતાઓ અને તમામ લોકોનો દિલથી આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, “આ સેવાયજ્ઞ ઘણા વર્ષોથી અવિરત ચાલી રહ્યો છે. આમાં અમને ઘણા સજ્જનો તરફથી આર્થિક ડોનેશન તેમજ જાહેરાતોના સ્વરૂપમાં ખૂબ મોટી મદદ મળે છે. તેઓએ પત્રકાર મિત્રો (મીડિયા) નો પણ આભાર માનીએ છીએ, જેઓ અમારા આ મેસેજને લોકો સુધી પહોંચાડે છે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે.”
દેશ અને સમાજની સેવા એ જ સાચું લક્ષ્ય છે.
તેમણે એક ખૂબ જ સુંદર અને રાષ્ટ્રપ્રેમી સંદેશ આપતા કહ્યું કે અમે ભગવાન અને અલ્લાહ પાસે પ્રાર્થોના કરીએ છીએ કે પાટણના આ તમામ વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરે. જો આપણી આવનારી પેઢી શિક્ષિત અને ગ્રેજ્યુએટ બનશે, તો જ તે દેશ અને સમાજની સાચી ખિદમત (સેવા) કરી શકશે. અમારું અંતિમ લક્ષ્ય પણ એ જ છે કે આપણા બાળકો ભણી-ગણીને દેશના કામમાં આવે. માનવતા ફાઉન્ડેશનની આ ઉમદા કામગીરીને પગલે પાટણના સ્થાનિક રહીશો અને વાલીઓ તરફથી સંસ્થા પર ધન્યવાદની વર્ષા થઈ રહી છે. ખરેખર, ધર્મના વાડાઓથી ઉપર ઉઠીને કરાયેલું આ કાર્ય સમાજને એક નવી દિશા ચિંધનારું સાબિત થયું છે…….!




