પાટણ:
વર્તમાન સમયમાં જ્યારે દેશભરમાં સોશિયલ મીડિયાના યુગમાં નાની-નાની અફવાઓ પણ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે, ત્યારે ઐતિહાસિક નગરી પાટણે હંમેશાંની જેમ આ વર્ષે પણ ગંગા-જમુની તહેઝીબ અને ભાઈચારાની અનોખી પરંપરા જીવંત રાખી છે.


આગામી પવિત્ર તહેવાર બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)ની ઉજવણી સમગ્ર શહેરમાં શાંતિ, સુમેળ અને પરસ્પર આદર સાથે થાય તે માટે પાટણ પ્રશાસન અને સ્થાનિક આગેવાનોએ અત્યારથી જ કમર કસી લીધી છે. આ સકારાત્મક પહેલના ભાગરૂપે આજે પાટણ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જે માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવાની ઔપચારિકતા નહીં, પરંતુ દિલથી દિલ મિલાવવાનો એક સુંદર અવસર બની રહી હતી.
અધિકારીઓ અને પ્રજા વચ્ચે સેતુ નિર્માણ
આ વિશિષ્ટ બેઠક ડીવાય.એસ.પી. પરેશ રેણુકા અને પાટણ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.જે. ભોયે ની સંયુક્ત આગેવાની હેઠળ યોજાઈ હતી. બેઠકની ખૂબ જ હકારાત્મક વાતાવરણમાં થઈ હતી, જ્યાં પોલીસ અધિકારીઓએ કાયદો અને સુરક્ષાની દ્રષ્ટિએ વહીવટી તંત્રની તૈયારીઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા.
ડીવાય.એસ.પી. પરેશ રેણુકાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “તહેવારો એ સમાજમાં ખુશીઓ અને ભાઈચારો વહેંચવાનું માધ્યમ છે. પાટણનો ઈતિહાસ હંમેશાં શાંતિપ્રિય રહ્યો છે અને આ વર્ષે પણ આપણે સૌ સાથે મળીને આ પરંપરાને વધુ મજબૂત બનાવીશું.” પી.આઈ. કે.જે. ભોયે પણ સ્થાનિક સ્તરે ટ્રાફિક વ્યવસ્થા અને સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા અંગે સકારાત્મક સૂચનો આપ્યા હતા.
આ શાંતિ સમિતિની બેઠકમાં સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું. બેઠકમાં મુસ્લિમ સમાજના નાના-મોટા સંગઠનોના અગ્રણીઓ, ધાર્મિક વડાઓ તેમજ પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે, પોલીસ પ્રશાસન દ્વારા લેવાયેલો આ નિર્ણય આવકારદાયક છે અને તેઓ તહેવાર દરમિયાન સ્વચ્છતા, વહીવટી નિયમોનું પાલન અને પરસ્પર સૌહાર્દ જાળવવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે.
કોઈપણ તહેવાર સમાજને જોડવાનું જ કામ કરે છે. પાટણની આ સકારાત્મક બેઠક અન્ય શહેરો માટે પણ કોમી એકતા અને સુશાસનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે…….!




