ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે તા. ૨૧ થી ૨૩ મે ૨૦૨૬ દરમિયાન આયોજિત ત્રણ દિવસીય એ.આઈ. અને રોબોટિક્સ થીમ આધારિત રેસીડેન્સીયલ સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ ૬ થી ૧૦ ના કુલ ૫૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


કેમ્પના પ્રથમ દિવસે યોગાભ્યાસથી શરૂઆત કરવામાં આવી હતી. સ્ટેમ-બોટીક્સ સંસ્થાનના નિષ્ણાત દ્વારા રોબોટિક્સના પાયાના સિદ્ધાંતો સમજાવી વિદ્યાર્થીઓ પાસે એલ.ઈ.ડી. ઓન/ઓફ, સ્વીચ કંટ્રોલ અને શ્રેણી-સમાંતર જોડાણ જેવા પ્રયોગો કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રીમતી દેવલબેન વ્યાસ દ્વારા ‘જ્ઞાન સાધના’ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. પ્રાયોગિક સત્રમાં વિદ્યાર્થીઓએ ડોરબેલ, એલ.ઈ.ડી. બ્રાઇટનેસ કંટ્રોલ, બઝર સાઉન્ડ કંટ્રોલ અને વોટર ઓવરફ્લો એલાર્મ જેવા પ્રોજેક્ટ્સ બનાવીને રોબોટિક્સના પ્રાથમિક પાઠ શીખ્યા હતા. દિવસના અંતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીજા દિવસે યોગ અને પ્રાણાયામ બાદ વિદ્યાર્થીઓએ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના આઈ.ટી. વિભાગની મુલાકાત લીધી હતી, જ્યાં ડો. હીનલ મેડમ દ્વારા એ.આઈ. અને કોમ્પ્યુટર વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ નિબંધ લેખન સ્પર્ધા અને હ્યુમનોઇડ રોબોટ એસેમ્બલી પ્રવૃત્તિ યોજાઈ હતી. સાંજે વિદ્યાર્થીઓ માટે ‘મેઝ સોલ્વિંગ રોબોટ’ વિષયક વર્કશોપ તથા આકાશ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંતિમ દિવસે વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષયક ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યું તેમજ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓની મુલાકાત લીધી હતી. “સ્માર્ટ હોમ પ્રોજેક્ટ” અંતર્ગત વિદ્યાર્થીઓએ અવાજ દ્વારા પંખા અને લાઈટ નિયંત્રિત કરવાનો સફળ પ્રયોગ રજૂ કર્યો હતો. અંતે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આજના યુવાનોમાં એ.આઈ. અને રોબોટિક્સ પ્રત્યે જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે, અને આવા સમર કેમ્પો તે દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.




