પાટણ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો: ભાવિક પટેલ પ્રમુખ અને રૈયાબેન આહિર ઉપપ્રમુખ તરીકે બિરાજમાન

જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં યોજાઈ ચૂંટણી પ્રક્રિયા; કોંગ્રેસના તમામ પ્રયાસો નિષ્ફળ

પાટણ:
પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે ભારે રાજકીય ગરમાગરમી વચ્ચે જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અપેક્ષા મુજબ જ ભાજપે પોતાની સ્પષ્ટ બહુમતીના જોરે સત્તા પર મજબૂત પકડ જાળવી રાખી છે. જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે યુવા અને બિનવિવાદાસ્પદ ચહેરો ગણાતા ભાવિક હર્ષદભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રૈયાબેન વજાભાઈ આહિરની સત્તાવાર વરણી કરવામાં આવી છે.

કોંગ્રેસે ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો વધ્યો

પાટણ જિલ્લા પંચાયતની કુલ ૩૨ બેઠકોમાંથી ભાજપ પાસે ૧૯ સભ્યોનું સ્પષ્ટ બહુમતીબળ છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ પાસે ૧૩ સભ્યોનું સંખ્યાબળ છે. આ આંકડાકીય સ્થિતિ ભાજપની તરફેણમાં હોવા છતાં, કોંગ્રેસે પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારીને ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો હતો. સોમવારે બપોરે ૧૨:૦૦ વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો હતો. જોકે, સંખ્યાબળ ઓછું હોવાને કારણે કોંગ્રેસનો પરાજય થયો હતો અને બંને સર્વોચ્ચ પદો પર ભાજપનો કબજો યથાવત રહ્યો હતો.

હાથ ઊંચા કરીને કરાયું મતદાન: ભાવિક પટેલ બન્યા પ્રમુખ

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યો દ્વારા હાથ ઊંચા કરીને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ સભ્યોનો ટેકો મેળવીને ભાવિક હર્ષદભાઈ પટેલ પાટણ જિલ્લા પંચાયતના નવા સુકાની (પ્રમુખ) બન્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે રૈયાબેન વજાભાઈ આહિર વિજેતા જાહેર થયા હતા.

અધિકારીઓએ પાઠવી શુભેચ્છા:
વરણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ.ડી. વણઝારા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામક આર.કે. મકવાણાએ નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખ અને સભ્યોને પુષ્પગુચ્છ આપી આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કેવો છે નવા પ્રમુખ ભાવિક પટેલનો રાજકીય સફર?**
ભાજપે આ વખતે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે એક યુવા, સંગઠનવાદી અને પાટીદાર ચહેરા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ભાવિક પટેલ વર્ષ ૨૦૦૭થી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે.

  • સંગઠનનો બહોળો અનુભવ: રાજકારણની શરૂઆત ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) થી કરનાર ભાવિક પટેલે ભાજપમાં તાલુકા યુવા મોરચાના પ્રમુખ, જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે સફળ જવાબદારીઓ નિભાવી છે.
  • પારિવારિક રાજકીય પૃષ્ઠભૂમિ: ગત ટર્મમાં જિલ્લા પંચાયતની ધીણોજ બેઠક પરથી તેમના પત્ની દીપમાલાબેન પટેલ ચૂંટાયા હતા, જેમણે કારોબારી અધ્યક્ષ તરીકે કોઈ પણ વિવાદ વિના સફળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો હતો.
  • બિનવિવાદાસ્પદ છબી: ભાવિક પટેલ પક્ષમાં અને સ્થાનિક સ્તરે ક્લીન અને બિનવિવાદાસ્પદ છબી ધરાવે છે, સાથે જ ભાજપ સંગઠન પર પણ તેમની મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here