પાટણ અને ડીસામાંથી બાઈક ચોરી કરનાર શખ્સને બે ચોરેલા બાઈક સાથે પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

પાટણ, પાટણ ટાઉન તેમજ બનાસકાંઠા જિલ્લાના ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી મોટરસાયકલની ચોરી કરનાર ઈસમને પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ચોરીના બે બાઈક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૪૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

બનાસકાંઠા રેન્જ, પાલનપુરના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી, નાયબ પોલીસ અધિક્ષક (પાટણ વિભાગ) પરેશ રેણુકા તેમજ પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોયે દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અપાયેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અ.પો.કો. જગદીશભાઈ મોતીભાઈ તથા આ.પો.કો. યોગેશકુમાર અરવિંદભાઈને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક શખ્સ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે નવજીવન ચોકડી પાસે ઉભો છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી શખ્સની પૂછપરછ કરી વાહનના કાગળો માંગતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે ‘મોબાઈલ કોપ’ એપ્લિકેશન મારફતે બાઈકના નંબર ચેક કરતા તે પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી (ગુ.ર.નં. ૧૧૨૧૭૦૧૯૨૬૦૭૭૬/૨૦૨૬, બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ) ચોરાયેલું હોવાનું ખુલ્યું હતું. આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે પોતાના ઘરે અન્ય એક ચોરીનું બાઈક રાખ્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તે બાઈક કબજે કરી એપ્લિકેશનમાં તપાસ કરતા તે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી (ગુ.ર.નં. ૧૧૧૯૫૦૧૬૨૬૦૯૮૫/૨૦૨૬, બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ) ચોરાયેલું હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે ઝડપી પાડેલા આરોપીનું નામ કિશનભાઈ મોહનભાઈ ભુરાભાઈ મારવાડી (રહે. સૂર્યનગર, ભીલવાસ, સુજનીપુર રોડ, તા.જી. પાટણ) હોવાનું જણાવ્યું છે. પોલીસે તેની પાસેથી રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનું બજાજ કંપનીનું પ્લેટિના મોટરસાયકલ (ચેસીસ નં. MD2A76AY2KPF14639, એન્જિન નં. PFYPKF20492) અને રૂ. ૨૫,૦૦૦/- ની કિંમતનું બજાજ કંપનીનું ડિસ્કવર મોટરસાયકલ (રજી. નં. GJ-08-BD-4272) મળી કુલ રૂ. ૪૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કામગીરીમાં પાટણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. કે.જે. ભોયે, પી.એસ.આઈ. એચ.આર. ગાડીયા, અ.હેડ.કો. વિનોદભાઈ પુનાભાઈ, અ.હેડ.કો. વિક્રમસિંહ હેમુભા, અ.હેડ.કો. કમલેશકુમાર કાંતીલાલ, અ.પો.કો. જગદીશભાઈ મોતીભાઈ, આ.પો.કો. યોગેશકુમાર અરવિંદભાઈ તથા અ.પો.કો. મહેશભાઈ શીવાભાઈ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here