માવજત ફૂડ પ્રોડક્ટ્સના ગોડાઉન માંથી 11 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો…


પાટણ તા. ૨૨
પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા ગતરોજ પાટણમાં ભેળસેળ વિરોધી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 4821 કિલો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત રૂ. 11,87,272 આંકવામાં આવી છે.
આ પગલું જનસ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ મનાય છે.
તા. 21 નવેમ્બરના રોજ LCB અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર, પાટણની ટીમે સંયુક્ત રીતે માવજત ફૂડ પ્રોડક્ટ્સ પર દરોડો પાડ્યો હતો. આ પેઢીના પ્રોપરાઈટર મોદી પ્રકાશકુમાર વ્રજ
લાલ છે અને તે રોયલ બિઝનેસ પાક, હાઈવે રોડ માડોત્રી પાટણ ખાતે ગોડાઉન નંબર 11 અને J-17 માં સ્થિત છે. ટીમની તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો ગોડાઉન માથી મળી આવ્યો હતો. તપાસમાં 1,576.88 કિલો ઘી અને 3,245 કિલો ભેળસેળયુક્ત તેલ મળી આવ્યું હતું, જેનો કુલ જથ્થો 4,821 કિલો થાય છે.શંકાસ્પદ જણાતા આ જથ્થાને
અધિકારીઓએ સીઝ કર્યો હતો.
કાર્યવાહી દરમિયાન ઘી અને તેલના કુલ 10 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં તેલના 5 અને ઘીના 5 નમૂનાઓનો સમાવેશ થાય છે.
આ તમામ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ એલસીબી અને ફૂડ વિભાગની ટીમ દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઈને ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



