
પાટણ તા. ૩૦
NCERT, નવી દિલ્હી દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના કલાઉત્સવમાં શ્રીમતી કે. કે. સરકારી કન્યા વિદ્યાલય, પાટણની વિદ્યાર્થીનીઓએ કંઠ્ય સંગીત (ગાયન) સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા સંસ્કાર તીર્થ, આજોલ જી.ગાંધીનગર ખાતે યોજાયેલ હતી. રાજ્ય કક્ષાના આ કલા ઉત્સવમાં વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની પ્રતિભા રજૂ કરી હતી.
આ સિદ્ધિમાં શાળાના નિવૃત્ત અને ઉત્સાહી સંગીત શિક્ષક કમલેશભાઈ સ્વામી નો તેમજ તબલા વાદક ધ્રુવ દરજીએ મહત્વનો ભાગભજવી વિદ્યાર્થીનીઓને તાલીમ આપી હતી.
આ સાથે શાળાના વોકેશનલ ટીચર શ્રીમતી નમ્રતાબેન દ્વારા પ્રોત્સાહન સાથે નિયમિત પ્રેક્ટિસ દ્વારા વિદ્યાર્થીનીઓની કુશળતાને નિખારવામાં આવી હતી.
આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓમાં જાદવ સ્નેહા, ડોડીયા કશીશ, પઠાણ ફૈઝા અને પઠાણ ફલકનો સમાવેશ થાય છે.
આ ઉપલબ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ હવે રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવમાં પોતાનું કૌશલ્ય રજૂ કરશે. શાળાના આચાર્ય ડૉ દિનેશભાઈ પ્રજાપતિ તથા સમગ્ર શાળા પરિવારે આ વિદ્યાર્થીનીઓની સફળતા બદલ બિરદાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.



