ધારપુર, પાટણ: પેટમાં અસહ્ય દુખાવો અને પેશાબની તકલીફથી પીડાતા એક પ૫ વર્ષના પુરુષ દર્દીને સમયસરના સચોટ નિદાન અને સફળ ઓપરેશનના કારણે નવી રાહત મળી છે. આ ૫૨ વર્ષના દર્દીને જમણી બાજુ પેટમાં અસહ્ય દુખાવો અને પેશાબમાં બળતરા થતી હતી. હોસ્પિટલમાં કરાયેલી તપાસ દરમિયાન દર્દીની જમણી કિડનીમાં પથરી હોવાનું સામે આવ્યું હતું.

કિડની સંપૂર્ણપણે કામ કરતી બંધ થઈ ગઈ હતી
પથરીના કારણે દર્દીની કિડનીમાં સોજો (હાઇડ્રોનેફ્રોસિસ) આવ્યો હતો. વધુ તપાસ માટે કરાયેલા ખાસ ‘DTPA સ્કેન’ રિપોર્ટમાં એક ચોંકાવનારી વિગત જાણવા મળી કે આ જમણી કિડની સંપૂર્ણપણે કામ કરતી બંધ (નોન-ફંક્શનલ) થઈ ગઈ છે. કિડની નકામી થઈ જતાં શરીરને વધુ નુકસાન ન થાય તે માટે સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો.
તબીબોની ટીમ દ્વારા સફળ ‘નેફ્રેક્ટોમિ’
સર્જરી વિભાગના ડૉ. જયેશ ગોહેલના સચોટ માર્ગદર્શન હેઠળ ડૉ. આકાશ અગ્રવાલ અને ડૉ. મિતેષ ચાવડાની સર્જીકલ ટીમ દ્વારા આ જટિલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે એનેસ્થેસિયા વિભાગના ડૉ. દિક્ષિત મોઢ અને તેમની એનેસ્થેટિક ટીમ દ્વારા દર્દીનું સફળતાપૂર્વક ‘નેફ્રેક્ટોમિ’ (કિડની કાઢવાનું ઓપરેશન) કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન સંપૂર્ણપણે સફળ રહ્યું હતું અને તેમાં કોઈ પણ પ્રકારની જટિલતા કે આડઅસર જોવા મળી ન હતી. ઓપરેશનના માત્ર ત્રીજા જ દિવસે દર્દીની તબિયતમાં ઉત્સાહજનક સુધારો થતાં તેમને ખુશીપૂર્વક હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) આપવામાં આવી છે.
પથરીની સમસ્યાને અવગણશો નહીં
તબીબોના જણાવ્યા અનુસાર, આ કેસ સાબિત કરે છે કે પથરી જેવી સમસ્યાને ક્યારેય સામાન્ય ગણીને અવગણવી જોઈએ નહીં. સમયસરનું નિદાન અને યોગ્ય સારવાર દર્દીને ગંભીર મુશ્કેલીઓમાંથી બચાવીને એક સારું અને સ્વસ્થ જીવન આપી શકે છે




