નેત્રમ સીસીટીવી અને રીક્ષા એસોસિએશનની સતર્કતા, પાટણમાં મુસાફરની ગુમ થયેલી બેગ ગણતરીના કલાકોમાં પરત મળી…

આજના સમયમાં ઈમાનદારી અને વહીવટી તંત્રની તત્પરતાનો એક ઉત્કૃષ્ટ કિસ્સો પાટણ શહેરમાંથી સામે આવ્યો છે. પાટણ શહેરના બગવાડા દરવાજા નજીકનાં પેટ્રોલ પંપ પાસેથી રીક્ષામાં બેસી પાટણ શહેરના લીલીવાડી ઉતરેલા એક યુવાનની કિંમતી સામાન ભરેલી બેગ રીક્ષામાં જ ભુલાઈ ગઈ હતી. જોકે, પાટણ પોલીસના ‘નેત્રમ’ (NETRAM) સીસીટીવી પ્રોજેક્ટ અને પાટણ જિલ્લા રીક્ષા એસોસિએશનના સંયુક્ત પ્રયાસોથી આ બેગ હેમખેમ મુસાફરને પરત સોંપવામાં આવી છે.

​શું હતો સમગ્ર ઘટનાક્રમ?
​પાટણ શહેરના પદ્મનાભાઇ ચોકડી વિસ્તારમાં રહેતો ૧૮ વર્ષીય યુવાન રવિ પટણી પાટણ શહેરના બગવાડા દરવાજા પેટ્રોલ પંપ પાસેથી રીક્ષામાં બેસીને લીલીવાડી વિસ્તારમાં ઉતર્યો હતો. ઉતાવળમાં તે પોતાની બેગ રીક્ષામાં જ ભૂલી ગયો હતો. સામાન ગુમ થતાં ચિંતિત બનેલા રવિ પટણીએ આ અંગે તપાસ શરૂ કરી અને આખરે પાટણ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક સાધ્યો હતો.

​CCTV અને વોટ્સએપ ગ્રુપની મદદથી રીક્ષાચાલકની શોધખોળ.

​આ અંગે વિગત આપતાં પાટણ જિલ્લા રીક્ષા એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ​”ગઈકાલે ‘નેત્રમ’ સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે એ રીક્ષા અને રીક્ષાચાલકનો ફોટો મેળવવામાં આવ્યો હતો. આ ફોટો મળતા જ તાત્કાલિક અમારા રીક્ષા એસોસિએશનના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો. આ ગ્રુપમાં રીક્ષાચાલક સભ્ય તરીકે નોંધાયેલો હોવાથી તેની ઓળખ થઈ ગઈ હતી.”

​જ્યારે રીક્ષાચાલકની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે આ બેગ ૧૧ તારીખે જ રીક્ષામાં રહી ગઈ હતી. તે બેગ પરત આપવા પણ ગયો હતો, પરંતુ બેગની અંદર કોઈ મોબાઈલ નંબર કે સરનામું ના હોવાને કારણે તે મૂળ માલિક સુધી પહોંચાડી શક્યો ના હતો.
​યુવાન રવિ પટણીએ માન્યો પોલીસ અને એસોસિએશનનો આભાર
​આજે સવારે નેત્રમ ટીમ અને રીક્ષા એસોસિએશનના સંકલનથી રવિ પટણી ને કંટ્રોલ રૂમ ખાતે બોલાવવામાં આવ્યો હતો અને રીક્ષાચાલક અને રીક્ષા એશોસીએશન ની હાજરીમાં તેનો તમામ સામાન સલામત રીતે પરત કરવામાં આવ્યો હતો.

​પોતાની ખોવાયેલી બેગ પરત મળતા ખુશખુશાલ થયેલા રવિ પટણીએ મીડિયા સમક્ષ “નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી અને રીક્ષા એસોસિએશનના પ્રમુખ પરેશ ઠાકોર અને ઉપ પ્રમુખ શ્રીમાળી કલ્પેશ ના સહયોગથી મારી બેગ સહીસલામત મળી ગઈ છે, જે બદલ હું તમામનો આભાર માન્યો હતો.”

​સંદેશ: આ ઘટના સાબિત કરે છે કે જો ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને સામાજિક સંગઠનોની ઈમાનદારી ભેગી થાય, તો સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓનું નિવારણ ખૂબ જ ઝડપથી આવી શકે છે………!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here