સિદ્ધપુર: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખળી ગામમાંથી કોઈને પણ કહ્યા વગર અગમ્ય કારણોસર નીકળી ગયેલા એક સગીર વયના દીકરાને સિદ્ધપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ રાજસ્થાનના મારવાડ જંકશન ખાતેથી સહી-સલામત શોધી કાઢ્યો છે. પોલીસે સગીરનો કબજો મેળવી તેને તેના પરિવારને પરત સોંપીને પ્રશંસનીય કામગીરી કરી છે.
‘ઓપરેશન મિલાપ’ હેઠળ ત્વરિત એક્શન
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી દ્વારા જિલ્લામાં ગુમ કે અપહરણ થયેલા વ્યક્તિઓને તાકીદે શોધવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આ આદેશ અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે. પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે. ઝાલા અને તેમની ટીમ દ્વારા “ઓપરેશન મિલાપ” શરૂ કરવામાં આવ્યું હતું.
ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી મળ્યો પતો
ગઈ તારીખ ૨૪/૦૫/૨૦૨૬ના રોજ ખળી ગામમાંથી આ સગીર ઘરેથી નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બીટ ઇન્ચાર્જે તાત્કાલિક બાળકના વાલીવારસદારોનો સંપર્ક કર્યો હતો અને તેની વિગતો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગુમ થયેલો બાળક રાજસ્થાનના મારવાડ જંકશન ખાતે છે. બાતમીના આધારે સિદ્ધપુર પોલીસે રેલવે સુરક્ષા બલ (RPF) મારવાડ જંકશનનો સંપર્ક સાધીને સ્થાનિક સહયોગથી સગીરને હેમખેમ શોધી કાઢ્યો હતો. દીકરાને સુરક્ષિત રીતે સિદ્ધપુર પરત લાવીને તેના માતા-પિતાને સુપ્રત કરાતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસનો આભાર માન્યો હતો.
સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ ઓપરેશનને પાર પાડવામાં નીચે મુજબના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી:
- શ્રી એમ.કે. ઝાલા (પોલીસ ઇન્સ્પેક્ટર, સિદ્ધપુર પોલીસ સ્ટેશન)
- એ.એસ.આઇ. અરવિંદભાઇ જુમ્માભાઇ
- આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ ભલાજી સતાજી




