પાટણ: ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે ૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ‘વર્લ્ડ ઓરલ હેલ્થ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલના ડીન ડૉ. હાર્દિક શાહ અને મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. પારુલ શર્મા મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌને દાંત અને મોઢાની સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડેન્ટલ વિભાગના પ્રાધ્યાપક ડૉ. રૂપલ મહેતા, સહ પ્રાધ્યાપક ડૉ. મયંક ચાતુર્વેદી, ટ્યુટર ડૉ. મિતલ પંચાલ, અને DEIC મેડિકલ ઓફિસર ડૉ. પ્રેયશી ભોજક સહિત નિવાસી તબીબી અધિકારી ડૉ. રમેશ પ્રજાપતિ અને એ.એન.એસ. કેસીબેન તેમજ હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ડીન અને મેડિકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ઓરલ હેલ્થનું મહત્વ સમજાવી દાંતની યોગ્ય કાળજી લેવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્ટાફ માટે દાંતની તપાસનો કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાંતો દ્વારા ઓરલ હાઈજીન અંગે સમજણ આપી જરૂરિયાતમંદોને નિ:શુલ્ક ટૂથપેસ્ટ અને ટૂથબ્રશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં, લોકોને બ્રશ કરવાની સાચી પદ્ધતિ અને દાંતના ગંભીર રોગોથી બચવાના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવતા આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.




