પાટણ:
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના લક્ષ્મીપુરા (વદાણી) ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યો દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ-અલગ રાજ્યોની મતદાર યાદીમાં નામ રાખી, ચૂંટણી તંત્રને છેતરવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે વાગડોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ખોડીદાસ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન જાણવા મળ્યું હતું કે ગામના મલપરા પરિવારના પાંચ સભ્યો બે રાજ્યોમાં ચૂંટણી કાર્ડ ધરાવે છે.
જ્યારે આ સભ્યો પાસે ‘એસ.આઈ.આર.’ (SIR) ફોર્મ ભરાવવામાં આવ્યા અને બાદમાં પોલીસ તપાસ દરમિયાન તેમના નિવેદનો લેવાયા, ત્યારે તેમની સહીઓમાં પણ વિસંગતતા જોવા મળી હતી. ચૂંટણી તંત્રને ગેરમાર્ગે દોરવા અને ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જેથી દેશના નાગરિક તરીકે બે રાજ્યોમાં મતદાર તરીકે નોંધણી થયેલ હોય કોઈપણ એક જગ્યાએથી નામ રદ કરાવી કાયદાનું પાલન કરી પોતાનો મતાધિકાર મેળવે.
આરોપીઓની વિગત:
પોલીસ ફરિયાદમાં નીચે મુજબના વ્યક્તિઓના નામ સામેલ છે:
- ઐયુબભાઈ ઈબ્રાહીમભાઇ મલપરા
- અપસાબેન ઈકબાલભાઈ મલપરા
- આરીફભાઈ ઈબ્રાહીમભાઇ મલપરા
- મૈસરાબેન જુનેદભાઈ મલપરા
- જુનેદભાઈ ઈકબાલભાઈ મલપરા
કાયદેસરની કાર્યવાહી
આ મામલે મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર (સરસ્વતી) ના આદેશ બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 336(2), 336(3), 61(2) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 31 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રતાપસિંહ એમ. બોડાણા ચલાવી રહ્યા છે.




