પાટણ સાયન્સ સેન્ટર ખાતે અવકાશ વિજ્ઞાન થીમ આધારિત સમર કેમ્પ ઉત્સાહભેર સંપન્ન

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે આયોજિત ત્રણ દિવસીય (૬ થી ૮ મે ૨૦૨૬ દરમિયાન) અવકાશ વિજ્ઞાન થીમ આધારિત રેસીડેન્સીયલ “સ્પેસ સમર સાયન્સ કેમ્પ” ઉત્સાહભેર પૂર્ણ થયો. આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ ૬ થી ૧૦ ના કુલ 56 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેમ્પના પ્રથમ દિવસની શરૂઆત સામૂહિક યોગાભ્યાસ દ્વારા કરવામાં આવી હતી.

આ દિવસે વિદ્યાર્થીઓએ ઈસરો ના વરિષ્ઠ વૈજ્ઞાનિકો સાથે સંવાદ સાધ્યો હતો અને રોકેટની કાર્યપ્રણાલી વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી. આ ઉપરાંત, એસ્ટ્રોનોમી વર્કશોપ, સાયન્ટિફિક શો અને કલે આર્ટ (માટી કલા) દ્વારા ગ્રહોના મોડેલ બનાવવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. રાત્રિના સમયે યોજાયેલા “આકાશ દર્શન” કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું.

કેમ્પના બીજા દિવસની શરૂઆત પણ યોગ અને પ્રાણાયામના સત્રથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણના ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રોનિક્સ વિભાગ ની મુલાકાત લીધી હતી, જ્યાં વિભાગીય વડા ડૉ.દર્શન વ્યાસે મોડેલ્સ દ્વારા વિવિધ ગ્રહો પર ગુરુત્વાકર્ષણ, સેટેલાઇટ કાર્યપ્રણાલી અને રોકેટ લોન્ચિંગ વિશે પ્રાયોગિક સમજ આપી હતી. આ ઉપરાંત, ડૉ. વિક્રમ સારાભાઈ પર ડોક્યુમેન્ટ્રી શો અને ડૉ. વી. એમ. પટેલનું સેટેલાઇટ વિષયક વ્યાખ્યાન યોજાયું હતું. શ્રીમતી દેવલબેન વ્યાસે ‘જ્ઞાન સાધના’ પર માર્ગદર્શન આપ્યું.સાથે જ નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ઓરિગામિ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓએ કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું.

કેમ્પના ત્રીજા અને અંતિમ દિવસનો પ્રારંભ પણ યોગ અભ્યાસ સાથે થયો હતો, જેણે વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. આ દિવસે પ્રકાશિય ઉપકરણો અને ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયા હતા, સાથે જ “પૃથ્વીનો ઉદભવ અને વિકાસ” પર આધારિત સાયન્ટિફિક-શો અને ગેલેરી વિઝિટ દ્વારા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની અજાયબીઓને નજીકથી નિહાળી હતી. સમાપન સમારંભમાં તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સ્પેસ થીમ આધારિત સમર સાયન્સ કેમ્પ વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે, જે ભારતને ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે અને 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં ચોક્કસપણે યોગદાન આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here