

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના પ્રસાર અને પ્રચારને વધુ વેગ આપવા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ વિકસાવવા હેતુસર તારીખ 29 એપ્રિલ થી 7 જૂન દરમિયાન ગુજકોસ્ટ-ગાંધીનગર ના સહયોગ થી 6 થીમ આધારિત સમર સાયન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સથી લઇ ક્વોન્ટમ સાયન્સ સુધી, 6 થીમ આધારિત સાયન્સ કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉભરતી ટેકનોલોજીની દુનિયાની શોધખોળ કરી.


ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે વિશેષરૂપે આયોજન થયેલા આ કેમ્પમાં પાટણ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી 479 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમાંથી 315 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને વિષયપ્રતિ વિશેષ સમજ આપવામાં માટે વિખ્યાત નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને હેંડ્સ-ઓન વર્કશોપ સાથે વિષયોની ઊંડાણપૂર્વક સમજ આપી હતી. છ કેમ્પમાં કુલ 20 થી વધુ નિષ્ણાત ચર્ચા, 35થી વધુ સાયંટિફિક-શો, 35થી વધુ વર્કશોપ, 15થી વધુ સ્પ્રધાઓ અને વિવિધ ગેમ્સ યોજાઇ જેના દ્વારા વિદ્યાર્થીઓએ “જીવનમાં વિજ્ઞાન જીવવાનો” અને “વ્યવહારિક રીતે શીખવાનો” એક અનોખો અનુભવ મેળવ્યો.
સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યુ કે વિજ્ઞાન એ માત્ર પાથ્યપુસ્તક સુધી મર્યાદિત ન રહેવું જોઈએ — તેનો પ્રયોગાત્મક અનુભવ બાળકો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે. આવા સાયન્સ કેમ્પો દ્વારા વિદ્યાર્થીઓમાં નવિનતાની દૃષ્ટિ, વૈજ્ઞાનિક વિચારશૈલી અને અનુસંધાન માટે ઊર્મિ વિકસે છે. કેમ્પના અંતે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. ઘણા વાલીઓએ જણાવ્યું કે વિજ્ઞાનનો એવો અનુભવ જે બાળકોએ પહેલા ક્યારેય કર્યો ન હતો — એ આ સાયન્સ કેમ્પમાંથી પ્રાપ્ત થયો છે અને આવા કેમ્પોની વધુમાં વધુ જરૂરિયાત છે.




