પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસે બાઇકની ચોરી કરનાર રીઢા તસ્કરને ચોરાયેલ વાહન સાથે ઝડપી પાડયો : ૨૨ ગુનાઓનો ભેદ ઉકેલાયો

પાટણ: પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસે ટાઉન વિસ્તારમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક રીઢા તસ્કરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા પાટણના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા અપાયેલી સૂચના અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પાટણ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા તેમજ ‘બી’ ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. શાહના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી.

પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુના (ગુ.ર.નં. ૧૧૨૧૭૦૨૦૨૬૦૮૨૨/૨૦૨૬, BNS કલમ-૩૦૩(૨)) સંદર્ભે અલગ-અલગ ટીમો બનાવી નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ તેમજ હ્યુમન સોર્સ મારફતે તપાસ શરૂ કરાઈ હતી. દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ હેમુભા તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઇ મોતીભાઇને મળેલી સંયુક્ત બાતમીના આધારે શંકાસ્પદ આરોપી પાટણ સુદામા ચોકડી (સુદામા ત્રણ રસ્તા) પાસેથી ઝડપાઈ ગયો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સે પોતાનું નામ રાકેશભાઇ રેવાભાઇ કચરાભાઇ પરમાર (રહે. ખારીવાવડી, પરમારવાસ, તા.જી. પાટણ) જણાવ્યું હતું. આરોપીએ પાટણ ટાઉનના સુભદ્રાનગર પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરતાં પોલીસે રૂ. ૨૩,૦૦૦ની કિંમતનું હીરો હોન્ડા પેશન પ્રો બાઇક (નંબર GJ-02-BJ-5671) કબ્જે કર્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ચોર છે. તેની સામે પાટણ સીટી ‘એ’ ડીવીઝન, પાટણ ‘બી’ ડીવીઝન, પાટણ તાલુકા ઉપરાંત અમદાવાદ શહેર (સેટેલાઇટ, આનંદનગર, એલિસબ્રિજ, વાડજ, ચાંદખેડા), અમદાવાદ ગ્રામ્ય (સાણંદ) તેમજ મહેસાણા અને ડીસા રૂરલ પોલીસ મથકોમાં ચોરી અને મારામારી સહિત અગાઉ ૨૨ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. શાહ સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ગાડીયા, અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ હેમુભા, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઇ મોતીભાઇ તેમજ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ શીવાભાઇ જોડાયા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here