ભક્તિમય માહોલમાં વકતા પ.પૂ.નવદીપ પ્રભુજીએ કથાનું રસપાન કરાવતાં વાતાવરણ જગન્નાથજી મય બન્યું..
પાટણ તા. 10
પાટણની ઐતિહાસિક અને પરંપરાગત ભગવાન શ્રી જગન્નાથની 144 મી રથયાત્રાના પાવન અવસર નિમિત્તે શહેરમાં ભક્તિનો અનોખો માહોલ જામ્યો છે. આ પવિત્ર પ્રસંગને વધુ ભવ્ય બનાવવા માટે પ્રથમવાર શ્રી જગન્નાથ મંદિર પરિસરમાં ત્રિદિવસીય શ્રી જગન્નાથ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને સરળ શૈલીમાં નિરૂપણ કરવા માટે જગન્નાથ મંદિર પરિસર ખાતે ત્રિદિવસીય જગન્નાથજી ભગવાન ના મહિમા વણૅવતી જગન્નાથ કથા નું ગુરૂવારે રાત્રે 8-00 કલાકે ધાર્મિક વાતાવરણ વચ્ચે પ.પૂ.નવદીપ પ્રભુજીએ પોતાની અમૃત વાણીએ રસપાન કરાવતાં ઉપસ્થિત જગન્નાથ ભકતો ભકિત રસમાં મગ્ન બન્યા હતા.
રાત્રે 8 થી 10 કલાક સુધીના સમયમાં આયોજિત આ જગન્નાથ કથામાં ભગવાન જગન્નાથજીના દિવ્ય મહિમાનું ગાન, રથયાત્રાનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્વ તેમજ સનાતન ધર્મમાં જગન્નાથ સંપ્રદાયના ગૂઢ રહસ્યોનું સરળ શૈલીમાં વક્તાએ વણૅન કરી વાતાવરણ ને ભગવાન જગન્નાથમય બનાવ્યું હતું.
પાટણ જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને જગન્નાથ રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષ આચાર્યએ કથા વક્તા પરમ પૂજ્ય નવદીપ પ્રભુજી સહિત તેમના અનુયાયીઓને કથાના પ્રારંભ પૂર્વે સ્વાગત – સન્માન કરી આવકાર્યા હતા.
ભગવાન જગન્નાથ ની કથા શ્રવણ નો લાભ લેવા મોટી સંખ્યામાં પાટણના સમસ્ત ધર્મપ્રેમી નગરજનો અને શ્રદ્ધાળુઓ પરિવાર સહિત પધારી ધન્યતા અનુભવી હતી.




