મહેસાણા:
મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે એક મોટી સફળતા મેળવીને મારામારીના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતા-ફરતા તેમજ ખેડા જિલ્લાની કપડવંજ સેશન્સ કોર્ટ દ્વારા પોક્સો (POCSO) ગુના હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારાયેલા ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.
ગાંધીનગર રેન્જ ડીઆઈજી વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા ડીવાયએસપી મિલાપ પટેલની સૂચના મુજબ મહેસાણા એ ડિવિઝન પોલીસ ઈન્સપેક્ટર આર.એલ. પારઘીના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના અનામ પોલીસ કોન્સ્ટેબલ તરૂણકુમાર કાનજીભાઈ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ કંદર્પકુમાર કીર્તિભાઈને સંયુક્ત રીતે ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મહેસાણાના અટલ સ્પોર્ટ્સ ક્લબ પાસે દરોડો પાડીને લાલ રંગનું ટી-શર્ટ અને ગ્રે કલરનું જીન્સ પહેરેલા એક ઈસમની ઘેરાબંધી કરી અટકાયત કરી હતી.
પોલીસે પંચો રૂબરૂ પૂછપરછ કરતાં તેની ઓળખ લાલભાઈ ઉર્ફે જોગીયો પૂનમભાઈ લક્ષ્મણભાઈ કાંગસીયા (ઉં.વ.૧૯, રહે. અમરપરા, મહેસાણા) તરીકે થઈ હતી. આરોપીની આકરા મોડમાં તપાસ કરાતાં જાણવા મળ્યું હતું કે તે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ-૧૧૮(૨) તથા જી.પી. એક્ટ હેઠળ નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા ત્રણેક મહિનાથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો. જેથી પોલીસે તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાયતમાં લઈ આગળની કાર્યવાહી અર્થે નંદાસણ પોલીસને જાણ કરી છે.
તપાસમાં વધુ ચોંકાવનારો ખુલાસો એ થયો હતો કે, આ જ આરોપી વિરુદ્ધ ખેડા જિલ્લાના કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસ (BNS કલમ ૧૩૭(૨), ૬૪(૨)(એમ) તથા POCSO કલમ ૩(એ), ૪, ૫(એલ), ૬ વગેરે) અંતર્ગત નામદાર કપડવંજ સેશન્સ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફરમાવેલી હતી. આ સજા વોરંટની બજવણી ટાળવા માટે આરોપી સતત નાસતો-ફરતો હતો. આ અંગે કપડવંજ રૂરલ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
આ સમગ્ર સફળ કામગીરી મહેસાણા ‘એ’ ડિવિઝન પીઆઈ આર.એલ. પારઘી, પીએસઆઈ જે.આર. જાડેજા તથા એએસઆઈ કૌશિકકુમાર, અજયસિંહ, હેડ કોન્સ્ટેબલ જયદીપકુમાર, પિયુષભાઈ, સંકેતકુમાર, કલ્પેશકુમાર, કંદર્પકુમાર, તરૂણકુમાર, અબ્દુલગફાર, મનિષકુમાર, ચેતનકુમાર અને હાર્દિકકુમાર સહિતની ટીમે સાથે મળીને કરી હતી.




