બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગડ તાલુકામાં લાંબી રાહ બાદ આખરે મેઘરાજાએ ગઈકાલે વહેલી સવારથી પધરામણી કરી હતી. ગાજવીજ વગર વરસેલા ધીમા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ યથાવત રહ્યો હતો.

ચાતુર્માસ અને દેવપોઢી અગિયારસ પહેલા વરસાદની રાહ જોઈ રહેલા ગ્રામજનો,અબાલ-વૃદ્ધ અને અબોલ પશુ-પક્ષીઓમાં નવી ચેતના જોવા મળી હતી. કાંકરેજના શિહોરી, ખીમાણા, કંબોઈ તેમજ ઓગડ તાલુકાના થરા, તાણા, ઉણ, તેરવાડા, ટોટાણા, રાજપુર સહિત આજુબાજુના ગામોમાં મેઘ મહેર થતાં જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.ઘણા ઘરોમાં મેઘલાડુ અને વડા-ભજિયાં બનાવીને વરસાદનું સ્વાગત કરવાની તૈયારીઓ શરૂ થઈ હતી.લાંબા સમયથી પડી રહેલી ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળતાં ખેડૂતોમાં વાવેતરને લઈને આશા બંધાઈ છે. ખેતરો પાણીથી તરબતર બનતા પાક માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. સાથે જ પશુઓ માટે ઘાસચારાની ઉપલબ્ધતા વધશે તેવી આશાએ પશુપાલકોના ચહેરા પર પણ ખુશહાલી છવાઈ છે.
એકંદરે જુલાઈના અંતિમ સપ્તાહ માં થયેલી આ વરસાદી શરૂઆતથી સમગ્ર વિસ્તારના જનજીવનમાં ખુશી અને રાહતનો માહોલ સર્જાયો છે. ખેડૂતો હવે આગામી વરસાદની આશા સાથે ખેતીની કામગીરીમાં જોડાવા તૈયાર બન્યા છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




