મહેસાણા:
મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે એલ.પી.જી. ગેસના બાટલાની ચોરી કરતી ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ રિક્ષામાં ફરીને વિવિધ સ્થળોએથી ગેસના બાટલા ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી ૫ નંગ ગેસના બાટલા, મોબાઈલ અને રિક્ષા મળી કુલ રૂ. ૭૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી ઘટના?
મહેસાણામાં મિલકત સંબંધિત ગુનાઓને રોકવા અને વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલની સૂચના મુજબ પોલીસ સતર્ક હતી. આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ શહેર ‘એ’ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન, સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો ચેતનકુમાર વેલજીભાઇ અને અ.પો.કો તરૂણકુમાર કાનજીભાઇને બાતમી મળી હતી કે, બે ઇસમો લીલા રંગની રિક્ષા (નં. GJ-2-TT-4185) માં લાલ રંગના એલ.પી.જી. ગેસના બાટલા ભરી વેચાણ માટે ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સાઈબાબા મંદિર નજીક કૃણાલ આર્કેડ પાસે વોચ ગોઠવી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓ:
૧. જીગરકુમાર ભીખાભાઇ રાવળ (ઉ.વ. ૨૬, રહે. ભોયરાવાસ રાવળવાસ, મહેસાણા).
૨. પ્રકાશકુમાર જગદીશભાઇ રાવળ (ઉ.વ. ૩૨, રહે. ફૂટપાથ, મહેસાણા).
ચોરીની કબૂલાત:
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ પાટીદાર પ્લાઝા સામેના લાકડાના ગલ્લામાંથી ૨ અને નજીકના ટી સ્ટોલમાંથી ૨ એમ કુલ ૪ બાટલા ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત, થોડા સમય પહેલા જીલ્લા પંચાયત પાસે આવેલી અન્નુ રગડા સમોસાની દુકાનમાંથી પણ એક બાટલો ચોરી કર્યો હોવાનું જણાવ્યું હતું.
કામગીરી કરનાર ટીમ:
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ જે.આર. જાડેજા, એ.એસ.આઇ કૌશિકભાઇ વિરસંગભાઇ, અ.હે.કો જયદીપકુમાર પ્રભુદાસ, અ.પો.કો સંકેતકુમાર દિનેશભાઇ, આ.પો.કો કંદર્પકુમાર કિર્તિભાઇ, આ.પો.કો મનિષકુમાર બાબુભાઇ, અ.પો.કો કલ્પેશકુમાર કેશવલાલ, અ.પો.કો ચેતનકુમાર વેલજીભાઇ, અ.પો.કો તરૂણકુમાર કાનજીભાઇ અને અ.પો.કો હાર્દિકકુમાર ભરતભાઈએ ટીમવર્ક કરી સફળતા મેળવી હતી.




