રથયાત્રા પહેલા પાટણ એલસી બી પોલીસનું મોટું ઓપરેશન: ૪૫ લાખથી વધુના વિદેશી દારૂ સાથે બેની ધરપકડ

પાટણ:
આગામી રથયાત્રાના પર્વને અનુલક્ષીને પાટણ જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નેસ્તનાબૂદ કરવા માટે બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, પાટણ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.

ભૂસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક અશોક લેલેન્ડ ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ટ્રકમાં ભૂસાની બોરીઓની આડમાં છુપાવીને રાખવામાં આવેલો રૂ. ૪૫,૭૩,૫૬૦ની કિંમતનો ૨૨,૮૦૦ નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. ૬૦,૯૧,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બે આરોપીઓ જેલના સળિયા પાછળ, અન્યની શોધખોળ
આ ઘટનામાં પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની રાજેશ દેવારામ જાટ અને જગદીશ નારાણારામ જાટની ધરપકડ કરી છે. સમી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો ભરી આપનાર પ્રકાશ બિશ્નોઇ, પાયલોટિંગ કરનાર બાલાજી અને દારૂ મંગાવનાર કડીના એક અજાણ્યા શખ્સ સહિતના આરોપીઓ હાલ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસની ટીમો સક્રિય થઈ છે.
આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર, પી.એસ.આઈ. એસ.બી. સોલંકી, પી.એસ.આઈ. પી.વી. ચૌધરી તેમજ એલ.સી.બી.ના અન્ય કર્મચારીઓ લાલાભાઇ ચેહાભાઇ, ઘનશ્યામસિંહ જગતસિંહ, વનરાજસિંહ રાણાજી, પ્રવીણસિંહ જેસંગજી અને જાલમસંગ ભારૂજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here