ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ..
પાટણ તા. ૨૧
રાધનપુરના સબદલપુરા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એ મોટી કાર્યવાહી કરી છે. ધોરી ડેરી પાસે આવેલા ડાયાભાઈ રાવતભાઈ ઠાકોરના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે.
SMCને મળેલી બાતમીના આધારે તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૬૩૬ બોટલ અને ટીન કિંમત રૂ. ૧૩.૯૬ લાખ અને દારૂની હેરાફેરી માટે વપરાયેલી ટોયોટા ફોર્ચ્યુનર કાર (નંબર GJ01KZ1929) કિંમત રૂ. ૨૫ લાખ મળીને કુલ રૂ. ૩૮.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન કોઈ આરોપી પકડાયો નથી. પોલીસે ચાર વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આમાં ફોર્ચ્યુનર કારનો માલિક, ડ્રાઈવર અને ક્લીનર, દારૂનો સપ્લાયર અને રીસીવરનો સમાવેશ થાય છે.
રાધનપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે પ્રોહીબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.



