દીકરીઓ માટે આત્મનિર્ભરતાની દિશામાં એક પ્રતિષ્ઠિત પગલું

વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીના વ્યસનથી દૂર રાખી વ્યવહારુ કુશળતાઓમાં નિપુણ બનાવવાનો મુખ્ય આશય


ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત, શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ દ્વારા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓમાં અલગ અલગ કૌશલ્યનો વિકાસ થાય તે માટે વેકેશન દરમ્યાન વોકેશનલ તાલીમવર્ગનું આયોજન કરવામાં આવે છે.
ચાલુ વર્ષે પણ શેઠ એમ એન હાઇસ્કુલ પાટણમાં ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ માટે બ્યુટી એન્ડ વેલનેસ અંતર્ગત વોકેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
આ સેમિનારમાં એન.જી. પ્રાથમિક શાળા તથા ગોપાલભુવનની ધોરણ 8ની 30 જેટલી દીકરીઓએ ભાગ લીધો હતો. “બ્યુટી એન્ડ વેલનેસ” વિષયક આ એક અઠવાડિયાના તાલીમવર્ગમાં દીકરીઓએ ચહેરા અને ત્વચાની સંભાળ, વાળની દેખભાળ તથા મેકઅપની વિવિધ ઢબો જેવી ઉપયોગી અને વ્યવહારુ બાબતો પ્રેક્ટિકલ સાથે શીખવાડવામાં આવેલ.
વિદ્યાર્થીઓને ખાસ કરીને મોબાઈલ અને ટીવીના વ્યસનથી દૂર રાખીને વ્યવહારુ કુશળતાઓમાં નિપુણ બનાવવા માટે આ વર્ષે એક વિશિષ્ટ વોકેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
આ તાલીમ મુખ્ય ટ્રેનર શીતલબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાઈ. શીતલબેને જ્ઞાનસભર અને રસપ્રદ રીતે થિયરી સાથે પ્રેક્ટિકલનું સંકલન કરીને દીકરીઓમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની ભાવના જગાવી.
સેમિનારનો મુખ્ય હેતુ દીકરીઓને તેમનો વધુમાં વધુ સમય સિદ્ધિની દિશામાં વહી જાય, દીકરીઓને આશ્રિત નહિ પણ સ્વાવલંબન તરફ દોરી જવી તેમજ આવશ્યક સમયે આર્થિક ઉપાર્જન કરી પરિવારના આર્થિક સહાયક બની શકે તેવા મૂલ્યોનું સંસ્કરણ કરવાનો રહ્યો હતો.
આ કાર્યક્રમ માત્ર એક તાલીમ નહોતો, પરંતુ દીકરીઓ માટે નવી દિશામાં વિચાર કરવા પ્રેરણા આપતું એક દ્રષ્ટિબિંદુ સાબિત થયો છે. આવા કાર્યક્રમો એક નવી પેઢીને જીવતા જીવતા જીવન જીવવાની ભણવણી આપે છે.




