પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન
પાટણ તા. ૧૦
શ્રી હરિસેવા પરિવાર પાટણ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત મહોત્સવ પરમ પાવન ભગવતી ગંગામૈયાના પરમ અનુગ્રહથી તથા રાજરાજેશ્વર શ્રીકૃષ્ણચંદ્ર પ્રભુની કૃપાથી તાજેતરમાં જ હરિદ્વાર ખાતે ઉજવવામાં આવી હતી.


પાટણના જાણીતા વિદ્વાન દિલીપભાઇ શાસ્ત્રીજીના સુમધુર કંઠેથી વહેતા ભાગવત કથાના પ્રવાહનું રસપાન કરવા પાટણ ઉપરાંત મુંબઇ,અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત વગેરે શહેરોમાંથી ધર્મપ્રેમી ભાઇ-બહેનોએ દસ દિવસ હરિદ્વાર ખાતે “મુલતાન ભવનના ભાગવત હોલમાં ઉપસ્થિત રહી શ્રીમદ્ ભાગવદ્ કથાના રસપાન સાથે શ્રીરામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગીરીરાજ પૂજન. શ્રી રૂક્ષ્મણી વિવાહ વગેરે મનોરથો નો લાભ લીધો હતો.
આ યાત્રાનો મૂળ હેતુ માઁ ગંગાના પાવન કિનારે ભાગવત કથાનું શ્રવણ અને ગંગા સ્નાન એમ બંને લાભ ધર્મપ્રેમી ભાવિકો લઇ શકે અને સાથે સાથે યથાશક્તિ ન્યોછાવર ધરીને પોતાના મનગમતા મનોરથોનો પણ લાભ લઇ શકે તે હતો. પાટણની આ ધાર્મિક સંસ્થા દ્વારા આયોજીત આ ભક્તિયાત્રામાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા લોકોની સારસંભાળ,સાધન-સગવડ વગેરે શ્રીહરી સેવા પરિવાર દ્વારા પ્રામાણિકપણે ખૂબ સારી રીતે કરવામાં આવી હતી. આ યાત્રા-પ્રવાસમાં સામેલ થયેલા પાટણના મહાકાલી માતાજીના ઉપાસક-સાહિત્યકાર અશોકભાઇ વ્યાસ સહિત મહાગુજરાતના તંત્રી હર્ષદભાઇ ખમાર તથા કિરીટભાઇ ખમાર, વેપારી મંડળના પ્રમુખ મહાસુલાલ મોદી,જીઇબીના નિવૃત્ત અધિકારી નરેશભાઇ કડીયા,પશુદાણના જાણીતા વેપારી હસમુખ
ભાઇ પટેલ, પૂર્વ સરકારી અધિકારી ભુપેન્દ્રભાઇ શાહ સહિત અનેક જાણીતી વ્યક્તિઓએ કથા શ્રવણનો તથા ગંગા સ્નાનનો અનેરો લાભ લીધો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




