સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટે પાટણમાં પ્રથમવાર ‘પિન્ક પરેડ’ યોજાઈ.

મહિલાઓ પિન્ક ટી-શર્ટ સાથે પિંક પરેડ માં જોડાઈ…

પાટણ શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે પ્રથમવાર ‘પિન્ક પરેડ’ (વોકાથોન)નું આયોજન કરવામાં આવ્યું. આનંદ સરોવર ખાતેથી મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાયું હતું. આ પરેડ આનંદ સરોવરથી શરૂ થઈ સુભાષચોક અને બગવાડા થઈને ફરી આનંદ સરોવર ખાતે સમાપ્ત થઈ.

આ જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડૉ. સુરેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ કરાયું હતું. રોટરી ક્લબ ઓફ પાટણ, પાટણ જિલ્લા પોલીસ, આઇ.એમ.એ. પાટણ અને 100 નચિકેતા ફાઉન્ડેશન આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થાઓ હતી. 700થી વધુ મહિલાઓએ પિન્ક ટી-શર્ટ અને પિન્ક ટોપી પહેરીને વોકાથોનમાં ભાગ લીધો હતો. પોલીસ બેન્ડ અને પોલીસ સ્ટાફ સહિત વિવિધ સંસ્થાના સભ્યો પણ આ પિન્ક પરેડમાં જોડાયા હતા.

વોકાથોન પૂર્ણ થયા બાદ આનંદ સરોવર ખાતે એક વિશેષ કેન્સર જાગૃતિ સેશનનું આયોજન કરાયું. જેમાં જાણીતા તબીબો ડૉ. જયેશભાઈ રાવલે બ્રેસ્ટ કેન્સર, ડૉ. ભાવિન વડોદરિયાએ સર્વાઇકલ કેન્સર જાગૃતિ, ડૉ. નૈસર્ગીએ સર્વાઇકલ કેન્સરનું નિવારણ અને ડૉ. નૂપુર પટેલે બ્રેસ્ટ કેન્સરના નિદાન અંગે માહિતી આપી ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા.

આસ્થા હોસ્પિટલના ડૉ. સુરેશભાઈ ઠક્કર અને રોટરી ક્લબના પ્રમુખ ડૉ. પરિમલ જાનીએ જણાવ્યું કે, પાટણના ઇતિહાસમાં પ્રથમવાર સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય માટે ‘પિન્ક પરેડ’નું આયોજન કરાયું છે. ડૉ. સુરેશ ઠક્કરે આ અભિયાનમાં સૌને જોડાવા અપીલ કરી. કેન્સર સામે જંગ જીતેલા વોરિયર્સનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. પારુલબેન શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ અને બેબા શેઠે તમામ નાગરિકોને આ જાગૃતિ અભિયાનમાં જોડાઈને મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણના સંદેશને વધુ મજબૂત કરવા વિનંતી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here