સભાસદોની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી તેમાંથી પ્રેરણા લેવા અપીલ કરતા કેબિનેટ મંત્રી…

પાટણ તા.૧
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ સિદ્ધપુર ખાતે સિધ્ધપુર ડીવીઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. નો સુવર્ણ જયંતિ સમારોહ રવિવારે યોજાયો હતો. જેમાં કેબિનેટમંત્રીના હસ્તે ઓફિસ ડાયરીનું વિમોચન તેમજ મૃત્યુ સહાય નિધિ અંતર્ગત પાંચ લાખનો ચેક અર્પણ, નિવૃત્ત કર્મચારીનુ સન્માન અને સભાસદોના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સફળતા બદલ ઈનામ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે કેબિનેટમંત્રીએ સભાસદોની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી અભિનંદન પાઠવતાં તેમાંથી પ્રેરણા લઈ સમાજના હિતમાં આવા સેવાકીય કાર્યો કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે એક જમાનો હતો ભારત દેશ સોનાની ચિડિયા કહેવાતો હતો, વિશ્વનો ૨૫% વેપાર ભારતમાં થતો હતો. આજે સ્થિતિ બદલાઈ છે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ.૧૪૦ કરોડ લોકો આત્મનિર્ભર બને એવા પ્રયાસો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અલગથી સહકાર વિભાગ ઊભો કરી તેના દ્વારા અનેક ક્ષેત્રે પ્રગતિ કરી શકાય એવી વ્યવસ્થા ઉભી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશનું રોલ મોડેલ બન્યું છે. વિશ્વની સૌથી મોટી સો કંપનીઓ ગુજરાતમાં છે. વિકસિત ભારતનો નકશો તૈયાર છે ત્યારે વિકસિત ગુજરાતમાં સૌના સાથ સહકાર અને યોગદાન માટે મંત્રીએ આહવાન કર્યું હતું.
આ પ્રસંગે વાસણભાઈ આહિર પૂર્વ મંત્રી, એન. એફ ચૌધરી એમડી યુજી વીસીએલ,સુરેશભાઈ જી .દેસાઈ પ્રમુખ,બળદેવભાઈ પટેલ સિ. સેક્રેટરી જનરલ,એ.જી.વિ.કે.એસ., સુરેશભાઈ પટેલ
ચેરમેન જિલ્લા સહકારી સંઘ પાટણ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




