પાટણ:
બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા અને પકડાયેલા મુદ્દામાલના નિકાલ માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ૦૬ ગુનાઓમાં જપ્ત કરાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ અંતર્ગત પકડાયેલ વિદેશી દારૂની કુલ ૧૯,૬૨૨ બોટલો, જેની અંદાજિત કિંમત ₹૫૬,૯૩,૭૩૫/- થાય છે, તેના નિકાલ માટે નામદાર કોર્ટમાંથી કાયદેસરનો હુકમ મેળવી કોર્ટના આદેશ બાદ આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લેવાયો નિર્ણય
આ મુદ્દામાલના નાશ કરવાની પ્રક્રિયા સમીના સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.કે. મજેતરના વડપણ હેઠળ યોજાઈ હતી આ પ્રસંગે પાટણ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા, હારીજના ઇન્ચાર્જ મામલતદાર વિ.એ. વામદેવ, પાટણ નશાબંધી અને આબકારી અધિક્ષક દીપક ગોર, હારીજના દબાણ નાયબ મામલતદાર કે.એસ. ચંપાવત, સર્કલ ઓફિસર એન.કે. સિંઘલ તેમજ હારીજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. મહેરીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.
દાંતરવાડાની સરકારી જમીન પર ચાલ્યું રોલર
હારીજથી મહેસાણા તરફ જતા હાઇવે રોડની બાજુમાં આવેલા દાંતરવાડા ગામની સીમના સર્વે નંબર-૪૭ પૈકી ૧ વાળી સરકારી પડતર જમીન પર આ સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કાફલાની કડક સુરક્ષા વચ્ચે દારૂની હજારો બોટલો પર રોલર ફેરવીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી હતી.




