લાશની જરૂર પડતાં અજાણ્યા વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યો.
પછી સ્ત્રીનાં વસ્ત્રો પહેરાવી પેટ્રોલ છાંટી સળગાવી દીધી.
ગીતાને પાડોશમાં રહેતા ભરત સાથે પ્રેમ સંબંધ હતો.
ગીતાએ ‘દૃશ્યમ’ ફિલ્મ જોઈ પ્લાન બનાવ્યો.
પરિવારજનો શોધખોળ ના કરે તે માટે એક વ્યક્તિની કરી હત્યા.
સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાંથી એક ખોફનાક ઘટના સામે આવી છે. જ્યા પાડોશીના પ્રેમમાં પાગલ ગીતા નામની યુવતીએ પોતાના પ્રેમને પામવા માટે ખૂની ખેલ ખેલ્યો હતો. ગીતા અને પાડોશી ભરત બન્નેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. જોકે, ગીતા કે જે પરિણીત છે તેને લાગ્યુ કે તે ભાગી જશે તો તેના પરિવારજનો તેને ગોતી લેશે જેથી આ બન્ને પ્રેમી પંખીડાએ એક વ્યક્તિની હત્યા કરીને તેને સ્ત્રીના વસ્ત્રો પહેરાવી પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. જેથી પરિવારજનોને લાગે કે આ લાશ ગીતાની છે અને તે સળગીને મરી ગઈ છે. જોકે, લાશ અર્ધ બળેલી હાલતમાં રહેતા બન્નેનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારે આવો જાણીએ આ આખો ઘટનાક્રમ… અર્ધ બળેલી હાલતમાં લાશ મળી જાખોત્રા ગામમાંથી અર્ધ બળેલી હાલતમાં એક લાશ મળી હતી. જેને જોતા બનાવ હત્યાનો હોવાની શક્યતા હતા. બીજી તરફ સુરેશ આહીરની પત્ની ગીતાબેન (ઉ.વ. 22) ગુમ થયા હતા. તેની શોધખોળ દરમિયાન કેસરી કલરનો ચણીયો અને ચાંદીની ઝાંઝરીના આધારે આ લાશ ગીતાની હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે, બાદમાં આ લાશ અજાણ્યા પુરુષની હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા એક બાદ એક ચોંકાવનારા અનેક ખુલાસા થયા હતા. પોલીસની તપાસમાં આ લાશ હરજીભાઈ સોલંકીની હોવાનું ખુલ્યું હતું. કોઈ અજાણ્યા ઈસમે તેનું ગળું દબાવી હત્યા કરી અને બાદમાં લાશને સળગાવી દીધી હોવાનો પોલીસે અંદાજ લગાવ્યો હતો. મૃતકના ભાઈની ફરિયાદના આધારે સાંતલપુર પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા પોલીસ વડા વી કે નાઈએ જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે સુરેશના ઘરની પાસે વાડામાં એક અર્ધ બળેલી લાશ મળી આવી હતી. જે લાશને મહિલાના કપડા પહેરાવેલા હતા. પોલીસે તપાસ કરતા આ લાશ પુરૂષની હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ ગીતા કે જે સુરેશની પત્ની છે તે પણ ગુમ થયેલા હતા.
જે અંગે તપાસ કરતા ગીતાને પોતાના પાડોશમાં રહેતા ભરત સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ બન્ને સાથે મજૂરી કરતા હતા અને પ્રેમમાં પડ્યા હતા. જે બન્ને પાલનપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યાં હતા. જેઓની પુછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ જે અજાણી લાશ મળી હતી તે અંગે પણ પોલીસે તપાસ કરતા તે રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધની હોવાનું સામે આવ્યું હતું. જેનું નામ હરજીભાઈ સોલંકી હતું. જે હાલ પિપરાળાના તેમજ મુળ સાંતલપુરના વૌવાના રહેવાસી હતા.
આ ગીતા અને ભરતની પૂછપરછ કરતાં સમગ્ર હકિકત સામે આવી હતી.
ગીતા અને ભરત બન્ને પાડોશી છે અને એકબીજાના પ્રેમ સંબંધમાં હતા. ગીતાએ થોડા દિવસો પહેલા દ્રશ્યમ ફિલ્મ જોઈ હતી. જે ફિલ્મ જોઈને એક ખોફનાક પ્લાન તૈયાર કર્યો હતો.
ગીતાએ ભરતને કહ્યું કે, મારે તારી સાથે જીવન જીવવું છે એટલે આપણે બન્ને ભાગી જઈએ પણ જો આપણે ભાગશું ત્યારે પરિવારના લોકો મને શોધીને પરત લઈ આવશે. એના બદલે તેઓએ એક પ્લાન બનાવ્યો. કોઈ અજાણ્યા પુરૂષ અથવા સ્ત્રીની લાશ લઈ આવશું અને એને ગીતાના કપડા પહેરાવી એના વાડામાં એ વ્યક્તિને સળગાવીને આપણે બન્ને ભાગી જઈશું. જેથી પરિવારના લોકોને એવુ લાગશે કે ગીતા સળગીને મરી ગઈ છે. જેથી તે લોકો મારી શોધખોળ નહીં કરે.
વૃદ્ધને ખેતરમાં લઈ જઈ ગળુ દબાવ્યું જેના ભાગરૂપે સોમવારે બપોરે ભરત મુંબઈથી આવ્યો હતો. ભરતે આજુબાજુના ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરવા લાગ્યો કે જેને તે પોતે લઈ જઈ શકે અને તેને મારીને સ્ત્રીના કપડા પહેરાવીને સળગાવી શકે. શોધખોળ દરમિયાન ભરતને રાતે એક વૃદ્ધ વ્યક્તિ જોવા મળ્યો હતો. જેને ભરત બાઈક પર લઈ ગયો હતો. જે વૃદ્ધને ખેતરમાં લઈ જઈ ગળુ દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયો હતો. જે બાદ ભરતે તે વૃદ્ધને બાઈક પાછળ દોરડુ બાંધીને બેસાડીને જાખોત્રા ગામની સીમમાં લઈ આવ્યો હતો. જ્યા આ વૃદ્ધને તળાવ પાસે મુકીને ભરત ચાલ્યો ગયો હતો.
પેટ્રોલ છાંટી લાકડા લાવીને વૃદ્ધની લાશને સળગાવી નાખી રાત્રે એક વાગ્યે ભરતે ગીતાને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. જે બાદ ગીતા રાત્રે જ પોતાના કપડા અને પેટ્રોલ લઈને જ્યા વૃદ્ધ વ્યક્તિ હતો ત્યા આવી પહોંચી હતી. ત્યા બન્નેએ લાશને ગીતાના કપડા પહેરાવ્યાં હતા અને પગમાં ઝાંઝર પર પહેરાવી હતી. જે બાદ બન્ને લોકો આ વ્યક્તિને ઉંચકીને સુરેશભાઈનો જે વાડો છે ત્યા લઈ આવ્યાં હતા. જ્યા પેટ્રોલ છાંટી આજુબાજુમાંથી લાકડા લાવીને તે વૃદ્ધની લાશને સળગાવી નાખી હતી. જે બાદ બન્ને બાઈક લઈને ભાગી ગયા હતા.
બાઈક રાધનપુર બસ સ્ટેશનમાં મુકીને પાલનપુર રેલવે સ્ટેશનમાં ગયા હતા.
જ્યાથી જોધપુર ભાગી જવાના પ્લાન સાથે ટિકિટ પણ બુક કરાવી હતી. જોકે, પોલીસે બન્નેને પાલનપુર રેલવે સ્ટેશનથી ઝડપી લીધા હતા. જ્યા પોલીસ સ્ટેશનમાં બન્નેએ આ પ્રકારના પ્લાનિંગની કબુલાત કરી હતી. વધુ પેટ્રોલ ન મળતા લાશ આખી સળગી ન શકી અને ભાંડો ફૂટ્યો
ઉલ્લેખનીય છે કે, આરોપીએ જે વ્યક્તિની હત્યા કરી હતી તે કોણ વ્યક્તિ હતો તેની કોઈ જાણ ન હતી. ગીતા એક લિટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું પેટ્રોલ ભરત લઈ આવશે તેવુ નક્કી કરાયું હતું.
જોકે, ભરત વધુ પેટ્રોલ લઈ આવી શક્યો ન હતો. જેથી એક લિટર પેટ્રોલમાં જ બન્નેએ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી લાશ સંપૂર્ણપણે સળગી શકી ન હતી. જે આધારે તાત્કાલીક ખબર પડી ગઈ કે આ સ્ત્રીની નહીં પણ પૂરૂષની લાશ છે…….!
ઉપેશ પંચાલ



