પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ, ગાંધીનગરના સહયોગથી “ક્વોન્ટમ કમ્પ્યુટિંગ” થીમ પર વૈજ્ઞાનિક કાર્યક્રમનું ભવ્ય આયોજન

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ સાયન્સ અને ટેક્નોલોજી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને ગુજકોસ્ટ, ગાંધીનગરના સહયોગથી પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે “ક્વોન્ટમ કમ્પ્યુટિંગ” થીમ આધારિત વૈજ્ઞાનિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ, પાટણના 200 થી વધુ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરિયા તથા સરકારી એન્જિનિયરિંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હિતેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. ડો. કે.સી. પોરિયા સાહેબશ્રીએ વિદ્યાર્થીઓને ક્વોન્ટમ વિજ્ઞાનના મહત્ત્વ અંગે વિગતવાર માહિતગાર કર્યા હતા. સાથે જ તેમણે આત્મનિર્ભર ભારત તથા મેક ઇન ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય અભિયાનોમાં યુવાનોને સક્રિય યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત વક્તાઓએ ક્વોન્ટમ સાયન્સના જટિલ વિષયો સરળ ભાષામાં સમજાવ્યા હતા. જેમાં ડો. અરૂણ પ્રકાશ (સાયન્સ કમ્યુનિકેટર, આઈઆઈટી ગાંધીનગર), ડો. અશોક એન. પટેલ (નિવૃત્ત એસોસિયેટ પ્રોફેસર, શેઠ એમ. એન. સાયન્સ કોલેજ, પાટણ) તથા ડો. દર્શન વ્યાસ (પ્રોફેસર તથા વડા, ઇલેક્ટ્રોનિક્સ અને ભૌતિકશાસ્ત્ર વિભાગ, એચ.એન.જી.યુ. પાટણ) એ ક્વોન્ટમ સાયન્સ અને ટેક્નોલોજી, ક્વોન્ટમ ઇલેક્ટ્રોનિક્સનું ભવિષ્ય અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઉપયોગો જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને ક્વોન્ટમ વિજ્ઞાનમાં વધુ રસ પેદા થાય તે હેતુથી વૈજ્ઞાનિક શો તથા ક્વોન્ટમ મોડેલના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહુ તથા સમગ્ર ગુજકોસ્ટ સ્ટાફમિત્રોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢી વૈજ્ઞાનિક વિચારસરણી તરફ પ્રેરાય છે તથા ભવિષ્યમાં ક્વોન્ટમ ટેક્નોલોજી ક્ષેત્રે કરિયર નિર્માણ કરવા માટે યુવાનોને દિશામાર્ગદર્શન મળે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here