
પાટણ તા. ૧
યુરિયા ખાતરની સાથે ખાતર કંપનીઓ અન્ય પ્રોડક્ટ પરાણે પકડાવી દેતી હોય અને આ મામલે સરકાર ની પણ બેવડી નીતિ રહેતી હોવાના મામલે પાટણ એગ્રો ડિલર એસોસિએશને બાંયો ચઢાવી પાટણ ના ખોડીયાર માતાજી મંદિર સંકુલ ખાતે જિલ્લાના ડીલરોએ બેઠક યોજી વિચાર વિમૅશ ના અંતે સવૉનુમતે યુરિયા ખાતરનો નવા જથ્થો નહીં મંગાવવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ ખાતે જિલ્લામાં ખાતરનું વેચાણ કરતા વેપારીઓની પાટણ એગ્રો ડીલર એસોસિએશનના નેજા હેઠળ મળેલી આ બેઠકમાં ૧૫૦ થી વધુ વેપારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા એગ્રો ડિલર એસો.ના પ્રમુખ હર્ષિદ પટેલે જણાવ્યું હતું કે યુરિયા ખાતરની સાથે સાથે ખાતર કંપનીઓ અન્ય પ્રોડક્ટ પરાણે પકડાવી દે છે તે સામે અમારો વિરોધ છે. ખાતર કંપનીઓ બીજા પ્રોડક્ટ આપ્યા વગર યુરિયા તથા અન્ય ખાતર આપશે તો અમને કોઈ વાંધો નથી.
બીજી તરફ સરકાર પણ ખાતર આપવા માટે ખેડૂતો સાથે વારંવાર નિયમો બદલતી રહે છે. આધારકાર્ડ મુજબ ખેડૂતોને ખાતર આપવાનું કહેવામાં આવે છે પરંતુ આધારકાર્ડથી કેવી રીતે નક્કી કરી શકાય કે તે ખેડૂત છે અને નાનો ખેડૂત છે કે મોટો ? સરકારે કોને કેટલું ખાતર આપવું તેની કોઈ જોગવાઈ કરી નથી. આથી સરકારની બેધારી નીતિનો એસોસિયેશન દ્ધારા વિરોધ કરી ખેડૂતો જોડે વેપારી મિત્રો ને સંઘર્ષ કરવો ન પડે તે માટે સૌએ સવૉનુમતે યુરિયા ખાતરનો નવા જથ્થો નહીં મંગાવવાનો નિર્ણય કર્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




