ગામના લોકોએ કાયદો હાથમાં લઈ સજા ફટકારી હોવાના વાયરલ થયેલ વિડિઓ છતાં પોલીસ દફતરે કોઈ જ ફરિયાદ નહીં…

પાટણ તા. ૩
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમા કાંકરેજ તાલુકાનો એક પ્રેમી યુવક પોતાની પ્રેમિકા યુવતીને મળવા ત્રણ યુવકો સાથે આવ્યો હતો ત્યારે ગ્રામજનોએ આ ચારેય યુવકને પકડી તેઓના માથાના વાળ કાપીને તેમને સજા ફટકારી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હડકંપ મચી જવા પામી હતી જોકે આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનો યુવક
પ્રેમ પ્રકરણ મામલે પાટણના લોદરા ગામમાં યુવતીને મળવા મિત્રો સાથે પહોંચ્યો હતો.
આ દરમિયાન ગ્રામજનોએ તેમને પકડી પાડ્યા હતા અને કાયદો હાથમાં લઈને જાતે જ સજા ફરમાવવાનો નિર્ણય લીધો હતો.આક્રોશિત ગ્રામજનોએ ચારેય યુવકોનાં માથાના વાળ કાપીને અર્ધમુંડન કરી નાખ્યાં હતાં. આ સજાને લોકો ‘તાલિબાની સજા’ તરીકે ઓળખાવી રહ્યા છે.કેટલાક ગ્રામજનોએ સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. વીડિયો વાઇરલ થતાં જ સમગ્ર પંથકમાં આ ઘટનાની ચર્ચાએ જોર પકડ્યું છે.જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી બીજી તરફ વારાહી PSI વાય.એન. પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યુવકો યુવતીને મળવા આવ્યા હતા,ત્યારે ગ્રામજનોએ તેમને પકડી લીધા હતા. પોલીસે વાઇરલ વીડિયો અંગે યુવકોનો સંપર્ક કર્યો હતો, જોકે યુવકોએ આ મામલો તેમના સમાજનો હોવાથી કોઈ કાર્યવાહી કરવાની ના પાડી હતી.
લોદરા ગામના ચાર લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સામે પક્ષે ફરિયાદ કરવાની ના પાડતાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



