પાટણ: જ્વેલર્સ દુકાનમાં ચોરી કરનાર દંપતી પકડાયું, કોર્ટમાં રિમાન્ડ પર

પાટણ શહેરમાં 7 ઓક્ટોબરના રોજ ઓમ કોમ્પ્લેક્સમાં આવેલી વિપુલ જ્વેલર્સમાંથી ₹48,000ની સોનાની વીંટીની ચોરીનો ભેદ ઉકેલતા પોલીસે એક દંપતીને ઝડપી લીધા છે.
એ-ડિવિઝન પોલીસે જીમખાના રોડ પરથી બાઈક સાથે શંકાસ્પદ દંપતીને અટકાવ્યા હતા અને પૂછપરછમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો. બાદમાં કોર્ટમાં રજુ કર્યા બાદ તેમને રિમાન્ડ પર મોકલાયા છે.
આરોપીઓ તરીકે કેદારચંદ્રકાન્ત ગણપતભાઈ ધૈરવ (ઉંમર 33, રાજપૂત) અને તેની પત્ની શિપ્રાબેન, બંને ડીસાના હરસોલિયા વાસના રહીશો હોવાનું જાણવા મળ્યું છે. કેદાર મીશો કંપનીમાં કુરિયર બોય તરીકે કામ કરતો હતો અને દંપતી હાલમાં પાટણના ત્રણ દરવાજા વિસ્તાર પાસે ભાડાના મકાનમાં રહેતા હતા.
પોલીસે તેમની પાસેથી વિવિધ સ્થળેથી ચોરાયેલા દાગીના અને બાઈક મળી કુલ આશરે ₹2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તેમાં –પાટણની શિવ જ્વેલર્સમાંથી 4.400 ગ્રામ (₹43,554)ની સોનાની વીંટી, પાલનપુરની એ.વી.એમ. જ્વેલર્સમાંથી 12.100 ગ્રામ (₹1,01,957)ની સોનાની ચેઈન, તેમજ ₹50,000નું બાઈક – સમાવેશ થાય છે.
પૂછપરછ દરમિયાન દંપતીએ સ્વીકાર્યું કે તેઓ આર્થિક મુશ્કેલીમાં હતા અને ભાડું ચૂકવી શકતા ન હોવાથી ચોરીનો રસ્તો અપનાવ્યો હતો.
આ દંપતી અગાઉ પણ પાટણમાં દોશીવટ બજાર, આનંદ સરોવર પાછળ આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટી તથા શ્રીરામ એપાર્ટમેન્ટમાં ભાડે રહી ચૂક્યા છે.
તે ઉપરાંત, દંપતીએ સ્મિથ જ્વેલર્સમાંથી પણ બે વીંટી ચોરવાનો ગુનો સ્વીકાર્યો હતો, જેમાંથી એક વીંટી તેમણે અમદાવાદમાં ₹23,000માં વેચી હતી.
આરોપીઓ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં 2024માં પણ દાગીનાની ચોરીનો કેસ નોંધાયેલો હોવાનું ખુલ્યું છે.
દંપતીએ પોલીસ સમક્ષ જણાવ્યું કે વિપુલ જ્વેલર્સમાંથી ચોરી કર્યા બાદ તેઓ ઘરે ગયા હતા, પરંતુ ચોરેલી વીંટી ક્યાં પડી ગઈ તે અંગે તેમને જાણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here