પાટણ જિલ્લા સહકારી સંઘ દ્વારા ૭૨મા સહકાર સપ્તાહનો હારીજ માર્કેટ યાર્ડ ખાતે ધ્વજવંદન સાથે શુભારંભ

પાટણ જિલ્લા સહકારી સંઘની આગેવાનીમાં ૭૨મા સહકાર સપ્તાહનું આયોજન હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ધ્વજવંદન વિધિ સાથે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા સંઘના ચેરમેન સુરેશભાઈ પટેલે કરી હતી જ્યારે એ.પી.એમ.સી. હારીજના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે અને સહકાર ભારતી પાટણ જિલ્લાના અધ્યક્ષ હરિભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા.

આ પ્રસંગે સહકારી સપ્તરંગી ધ્વજ ફરકાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સંઘના અધ્યક્ષ સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષને ધ્યાનમાં લઈ સહકાર સપ્તાહનું વિશેષ મહત્ત્વ છે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષથી સૌપ્રથમ વાર તાલુકા સ્તરે વિવિધ સહકારી સંસ્થાઓમાં સપ્તાહ ઉજવવાની પહેલ કરવામાં આવી છે જે કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવે છે. સાથે જ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

સંઘના ડિરેક્ટર હરિભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સ્વતંત્રતા પછી દેશને આત્મનિર્ભર બનાવવા સહકાર પ્રભાવશાળી સાધન સાબિત થયું છે. તેમણે ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરે ભારતીય સહકારી ક્ષેત્રનું ગૌરવ વધારતા અમૂલ પ્રથમ ક્રમે અને ઇફ્કો દ્વિતીય ક્રમે સ્થાન પામ્યા છે, જે ગામડાના ખેડૂતો અને પશુપાલકો માટે ગૌરવની બાબત છે. દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી મંત્રાલયની સ્થાપના કરીને સહકાર ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા માની છે અને હવે સહકાર થકી સમૃદ્ધ ભારત નિર્માણ કરવાનો સમય આવ્યો છે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં રાજ્ય સંઘના સી.આઈ. દેવરાજભાઈ ચૌધરીએ સહકાર સપ્તાહ વિશે માહિતી આપી અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે હારીજ માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન દિલીપકુમાર ઠક્કર, ડિરેક્ટર્સ, સેક્રેટરી વિનોદભાઈ ચૌધરી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સંઘના ઉપાધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ, ડિરેક્ટર્સ ભીખાભાઈ સિંધવ, દલાભાઈ દેસાઈ, એક્ઝિક્યુટિવ મેનેજર ભરતભાઈ રાજપુરોહિત, સંઘના સી.આઈ. કથનભાઈ જોશી તેમજ અન્ય કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું.

અંતે સંઘના મેનેજર શ્રી ભરતભાઈ રાજપુરોહિતે આભાર વિધિ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here