ધારપુર-પાટણની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મેડિસિન વિભાગની ટીમે 24 દિવસની સતત અને સઘન સારવાર બાદ કોમામાં રહેલા 25 વર્ષીય યુવકને સફળતાપૂર્વક સ્વસ્થ બનાવી નવજીવન આપ્યું છે.
માહિતી મુજબ, તા. 20/10/2025ના રોજ કથિત રીતે ગળે ફાંસો ખાવાનો પ્રયત્ન કરનાર યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યો હતો. આગમન સમયે દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેને તરત જ ઇન્ટ્યુબેટ કરીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તેનું ગ્લાસગો કોમા સ્કોર (GCS) માત્ર E3VTM5 હતું. તાત્કાલિક મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (MICU) માં ખસેડી પ્રોટોકોલ મુજબ સારવાર શરૂ કરવામાં આવી હતી.
દર્દીના મગજના MRI માં હાયપોક્સિક ઇજા જણાતાં, લાંબા ગાળાની વેન્ટિલેટરી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રેકિઓસ્ટોમિ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન દર્દીને અનેક વખત ખેંચના (સીજર) હુમલા થયા હતા, જેને નિયંત્રિત કરવા સતત સેડેશન આપવામાં આવ્યું હતું. બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ, વાસોપ્રેસર્સ, એન્ટિએપિલેપ્ટિક દવાઓ સહિતની સારવાર આપવામાં આવી હતી, જ્યારે બેડ સોર અને DVT થી બચાવ માટે ખાસ કાળજી લેવામાં આવી હતી.
એક પછી એક હુમલાઓ નિયંત્રણમાં આવતા દર્દીને ધીમે ધીમે વેન્ટિલેટરી સપોર્ટમાંથી દૂર કરવામાં આવ્યો હતો. 24 દિવસની ICU સારવાર દરમિયાન દર્દીમાં નોંધપાત્ર ન્યુરોલોજીકલ સુધારો જોવા મળ્યો હતો અને તે મૌખિક આદેશોનું પાલન કરવા લાગ્યો હતો.
ડિસ્ચાર્જ સમયે દર્દીનું GCS સુધરી E4VTM6 થઇ ગયું હતું. તેને ટ્રેકિઓસ્ટોમિ સાથે રજા આપી વધુ ન્યુરો-રિહેબિલિટેશન અને નિયમિત ફોલો-અપ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દર્દીના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને MICU ટીમનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.




