પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પાસે કરાયું કરુણા અભિયાનનુ આયોજન.
ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે સતત ૬ દિવસીય સેવા કેમ્પનું આયોજન

ભજન-કીર્તન સાથે ભક્તિમય માહોલમાં જીવદયાનું કાર્ય શરૂ

પાટણમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે આકાશમાં ઉડતા પતંગોની કાતિલ દોરીથી ગવાયેલા નિર્દોષ પક્ષીઓની વ્હારે પાટણની જીવદયા સંસ્થાઓ આવી છે. પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પાસે ‘શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ’ દ્વારા પાટણ જિલ્લા વન વિભાગના માર્ગદર્શન હેઠળ ‘કરુણા અભિયાન’ અંતર્ગત વિશેષ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ દ્રારા ૨૧ વર્ષથી અવિરત સેવાકીય પ્રવૃત્તિ પાટણ શહેરમાં છેલ્લા ૨૧ વર્ષથી વર્ષના ૩૬૫ દિવસ અબોલ જીવોની સેવા માટે કાર્યરત ‘શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ’ દ્વારા આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે છ દિવસીય કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓને તાત્કાલિક અને સુરક્ષિત રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવશે. વન વિભાગના નેતૃત્વ હેઠળ ચાલતા આ અભિયાનમાં પક્ષીઓને નવજીવન આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સેવા સાથે ભક્તિનો સંગમ
આ વર્ષે કેમ્પની વિશેષતા એ રહી કે, સેવાના આ કાર્યમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળ અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં કેમ્પ દરમિયાન ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહિલા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક આ સેવાકીય યજ્ઞમાં આહુતિ આપી હતી.
તમામ અબોલ જીવો માટે ‘દેવદૂત’ સમાન પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ
સંસ્થાની કામગીરી અંગે વિગતો આપતા પ્રમુખ રાજુભાઈ રાવળ જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ સાપ, અજગર કે કુવા-કેનાલમાં ખાબકેલા પશુઓના રેસ્ક્યુ માટે પણ ૨૪ કલાક કાર્યરત છે. વન્ય પ્રાણીઓ સિવાયના તમામ અબોલ જીવોને અહીં પ્રાથમિક સારવાર અપાય છે અને જરૂર જણાય તો વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવે છે.”
ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓને બચાવવા માટે ટ્રસ્ટના સભ્યો ખડેપગે સેવા આપી રહ્યા છે અને નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે ગવાયેલું પક્ષી જોવા મળે તો તુરંત શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ સંસ્થાનો સંપર્ક કરવા અપીલ કરી છે………!




