પાટણ:
પાટણ શહેર એ-ડિવિઝન પોલીસે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે છિંડીયા દરવાજા પાસેથી વિદેશી દારૂનો જથ્થો હેરફેર કરતી એક બલેનો કાર અને એક્ટિવાને ઝડપી પાડી કુલ ₹6,26,671નો મુદ્દામાલ કબજે કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
સરહદી રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડીયા અને પાટણ એસપી વી.કે. નાયીની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ એ-ડિવિઝન પીઆઈ કે.જે. ભોયે અને તેમની ટીમ મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતી. તે સમયે હેડ કોન્સ્ટેબલ ધવલકુમાર ભગવાનભાઈ અને જીજ્ઞેશકુમાર દિનેશચંદ્રને મળેલી બાતમીના આધારે પોલીસે છિંડીયા દરવાજા પાસે વોચ ગોઠવી હતી.
પકડાયેલ મુદ્દામાલની વિગત
તલાશી દરમિયાન વાહનોમાંથી વિદેશી દારૂની કુલ 357 બોટલ/ટીન મળી આવ્યા હતા. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
- વિદેશી દારૂ (357 નંગ): કિંમત ₹1,01,671
- બલેનો કાર (GJ-24-AU-4389): કિંમત આશરે ₹5,00,000
- એક્ટિવા (GJ-24-AG-4383): કિંમત આશરે ₹25,000
આરોપીઓ પોલીસ પકડથી દૂર
આ દરોડા દરમિયાન બલેનો ગાડીનો ચાલક પ્રકાશસિંહ સોલંકી (રહે. કંબોઈ) અને એક્ટિવા ચાલક પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. પોલીસે હાલ આ બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ટીમ કામગીરી
આ સફળ કામગીરીમાં પીઆઈ કે.જે. ભોયે સાથે પીએસઆઈ કે.જે. કોડિયાતર, હેમરાજભાઈ, મહેન્દ્રકુમાર, દિવ્યાંગભાઈ અને રમેશકુમાર સહિતના પોલીસ સ્ટાફના દ્વારા કામગીરી કરાઇ હતી.




