
૨૨ કલાકારોએ સુમધુર ગીતો રજૂ કરી સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા: ડો. શ્રેયાબેન રાવલ અને પ્રો. ધ્રુવકુમાર રાવલની પ્રેરક ઉપસ્થિતિ


પાટણ:
ઐતિહાસિક નગરી પાટણના કલા-જગતમાં જાણીતા ‘સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ’ (R.K. સ્ટુડિયો) દ્વારા ગત ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્લબના ફેસબુક લાઈવ કાર્યક્રમનો ૭૮મો એપિસોડ ‘દિલ’ થીમ પર યોજાયો હતો, જેમાં સ્ટુડિયોને થીમ મુજબ આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો.


૨૨ કલાકારોની સૂરમય પ્રસ્તુતિ
ક્લબના ડાયરેક્ટર શ્રી સંદીપભાઈ ખત્રી અને શ્રીમતી અનિતાબેન ખત્રીના માર્ગદર્શન હેઠળ આ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જે ગીતોમાં ‘દિલ’ શબ્દ આવતો હોય તેવા સદાબહાર ગીતોની પસંદગી કરી ૨૨ જેટલા ઉભરતા કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન ચાલેલા આ લાઈવ પ્રસારણને સોશિયલ મીડિયા પર સંગીત રસિકોએ ભરપૂર પ્રતિસાદ આપ્યો હતો.
મહેમાનો દ્વારા કલાકારોનું પ્રોત્સાહન
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અઘાર PHCના મેડિકલ ઓફિસર ડો. શ્રેયાબેન ધ્રુવકુમાર રાવલ અને કે.ડી. પોલિટેકનિકના પ્રો. ધ્રુવકુમાર કે. રાવલ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુઝિકલ ક્લબ વતી મહેમાનોનું બુકે અને શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ કલાકારોના ઉત્સાહને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા મંચ દ્વારા પાટણની સ્થાનિક પ્રતિભાઓને ખીલવાની ઉત્તમ તક મળે છે. તેમણે સંદીપભાઈ અને તેમની ટીમને સંગીત ક્ષેત્રે પાટણનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
સફળ સંચાલન
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને રસપ્રદ સંચાલન જ્યોતિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સંગીત પ્રેમીઓ અને કલાકારોના સહયોગ બદલ આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.




