NGES સંચાલિત પાટણની BIPS સ્કૂલનું CBSE ધો.10માં 100% પરિણામ: 99% સાથે સમર્થ વિધાની જિલ્લામાં અવ્વલ

વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોનું માર્ગદર્શન રંગ લાવ્યું: BIPS પાટણની ભવ્ય સફળતા

પાટણ: ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) એ ધોરણ 10 CBSE બોર્ડના પરિણામોમાં મેદાન માર્યું છે. શાળાએ 100% પરિણામની પરંપરા જાળવી રાખવાની સાથે શૈક્ષણિક ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. શાળાનો વિદ્યાર્થી સમર્થ વિધાની 99% ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાને રહ્યો છે, એટલું જ નહીં તેણે રાજ્યના ટોપર્સની યાદીમાં પણ સ્થાન મેળવી પાટણનું ગૌરવ વધાર્યું છે.

ઝળહળતી સિદ્ધિ: 25થી વધુ તેજસ્વી તારલાઓએ 90%થી વધુ ગુણ મેળવ્યા

પરિણામની વિગતો મુજબ, શાળાના માત્ર એક-બે નહીં પરંતુ 25થી વધુ વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સમર્થ વિધાની ઉપરાંત ગ્રીવા પટેલ, તનિશ્કા મોદી, અબ્દુલસમદ મેમણ, કર્મા પટેલ, નેન્સી પટેલ અને આર્ચી મખીજાએ પણ શ્રેષ્ઠ ગુણ મેળવી જિલ્લાના ટોપર્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

સંસ્કાર અને શિક્ષણનો સમન્વય: ડૉ. જય ધ્રુવ

આ ભવ્ય સફળતા બદલ NGES કોલેજ કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા માત્ર શૈક્ષણિક ગુણવત્તા જ નહીં, પરંતુ શિસ્ત અને મૂલ્યો આધારિત શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આ પરિણામ વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનનું ફળ છે.”
શાળાના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ પટેલે પણ તમામ સફળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. સતત 100% પરિણામ મેળવવાની પરંપરાને કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલની સિદ્ધિની પ્રશંસા થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here