પીઆઈ કે.જે. ભોયેની ટીમની સપાટો : ગણતરીના કલાકોમાં બાળકીને હેમખેમ શોધી કાઢી…
માસૂમને મળ્યો સહારો : ૮ વર્ષની ગુમ થયેલી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન!
‘નેત્રમ’થી સર્ચ ઓપરેશન : સીસીટીવી અને હ્યુમન સોર્સનું જબરદસ્ત કોમ્બિનેશન!
જ્યાં ઇચ્છાશક્તિ હોય અને ખાખીમાં જનસેવાનો સાચો જુસ્સો હોય, ત્યાં અશક્ય કામ પણ ક્ષણભરમાં શક્ય બની જાય છે! આવી જ એક દિલ જીતી લેનારી અને પ્રેરણાદાયી ઘટના પાટણ શહેરમાં સામે આવી છે, જ્યાં પાટણ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે.જે. ભોયે અને તેમની જાંબાઝ ટીમે માનવતા અને કર્તવ્યનિષ્ઠાની અદભુત મિસાલ રજૂ કરી છે.
બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ તેમજ ડીવાયએસપી પરેશ રેણુકાની સૂચના મુજબ ગુમ થયેલા વ્યક્તિઓને તાબડતોબ શોધવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ગત ૧૨ સપ્ટેમ્બરના રોજ સાંજે પાટણ શહેરની સાગોટાની શેરીના રહેવાસી વનિતાબેન પ્રજાપતિ અત્યંત વ્યથિત હાલતમાં પાટણ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમની માત્ર ૮ વર્ષની વહાલી દીકરી આરતી સાંજના ચાર વાગ્યાથી અચાનક ગુમ થઈ ગઈ હતી અને ટ્યુશન પણ પહોંચી ન હતી.
એક લાચાર માતાના આંસુ અને માસૂમ બાળકીની ચિંતા જોતાં જ પાટણ શહેર એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોયેએ એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના પરિસ્થિતિની ગંભીરતા સમજી મોરચો સંભાળી લીધો હતો. એક બાપ જેવી સંવેદના અને બાહોશ અધિકારી જેવી રણનીતિ સાથે પાટણ શહેર એ ડીવીઝન ઇન્સ્પેક્ટર કે.જે. ભોયેએ તાબડતોબ અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાવી દીધું.
એક તરફ ‘નેત્રમ’ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસવામાં આવ્યા, આસપાસની દુકાનો અને શેરીઓના કેમેરા ફેંદી મારવામાં આવ્યા, તો બીજી તરફ પોલીસ જવાનોએ સમગ્ર મહોલ્લાના ઘરો તેમજ શંકાસ્પદ જગ્યાઓ ખૂંદી વળી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના જબરદસ્ત સમન્વયથી પાટણ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર કે.જે. ભોયે અને તેમની ટીમે વીજળીક ઝડપે તપાસ આગળ ધપાવી અને જોતજોતામાં ગણતરીના કલાકોમાં જ આઠ વર્ષની માસૂમ આરતીને સુરક્ષિત અને સહીસલામત શોધી કાઢી!
જ્યારે પાટણ શહેર એ ડીવીઝન પોલીસે દીકરી આરતીને તેના પરિવારજનોના ખોળામાં હેમખેમ સોંપી, ત્યારે માતા-પિતાની આંખોમાંથી વહેતા આંસુ ખુશી અને આભારમાં બદલાઈ ગયા હતા. આ સફળ અને સંવેદનશીલ ઓપરેશનમાં પાટણ શહેર એ ડીવીઝન ઇન્સ્પેક્ટર કે.જે. ભોયે સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. ચાવલા, એએસઆઈ અલુભા દોલુભા, એએસઆઈ સુરેશભાઇ, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર, મહેશભાઇ તેમજ કોન્સ્ટેબલ હેમરાજભાઇ, દિવ્યાંગકુમાર, શૈલેષકુમાર, મહેન્દ્રકુમાર, રમેશભાઈ તથા મહિલા કોન્સ્ટેબલ પ્રિયાંકાબેન અને કિંજલબેન સહિતના સમગ્ર સ્ટાફે ખભેખભા મિલાવીને કાબિલે-તારીફ કામગીરી બજાવી હતી.
પાટણ પોલીસ પ્રજાનો સાચો મિત્ર અને રક્ષક છે તે વાત પાટણ શહેર ‘એ’ ડિવિઝન પોલીસની ટીમે ફરી એકવાર સાબિત કરી દીધી છે. ખાખી વર્દીના આ સંવેદનશીલ અને ઝડપી પરાક્રમને સમગ્ર પાટણની જનતા સો-સો સલામ કરી રહી છે…..!




